Comments

દેશમાં એક નંબરનું વાવેતર વિસ્તાર ધરાવનાર ચીકુના પાકનું નિકંદન નીકળી રહ્યું છે, સુરત જિલ્લો તેમાં સૌથી મોખરે

મુંબઈથી તમે ટ્રેનમાં ગુજરાત આવતા હોવ તો જેવું ભિલાડ આવે પાકેલા ચીકુ વેચવાવાળાની બૂમાબૂમથી પ્લેટફોર્મ ગાજી ઉઠે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીથી માંડીને ભિલાડ સુધીનો આ આખોય પટ્ટો મધમીઠાં ચીકુના પાક માટે જાણીતો છે. એક સમય હતો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખેડૂત ચીકુડીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખતો. જ્યારે પણ ખર્ચા જોગ પૈસાની જરૂર પડે તમને ખર્ચા પૂરતો ઉતાર ચીકુડીના ઝાડેથી મળી રહે. જેમ હાફૂસ એ દક્ષિણ ગુજરાતનો એક મહત્ત્વનો બાગાયતી પાક છે (હવે કેસર પણ) એ જ રીતે ચીકુ પણ આ વિસ્તારનો મહત્ત્વનો બાગાયતી પાક હતો. ગોલવડના ચીકુ એની મીઠાશ માટે જાણીતા હતા અને એટલે ભિલાડથી નવસારી તરફ અથવા નવસારીથી મુંબઈ તરફ જતાં મુસાફરો ચીકુ અચૂક ખરીદતા.

આ પરિસ્થિતિમાં 1970ના દાયકા બાદ ઉદ્યોગીકરણની મહત્ત્વની ઘટનાએ આકાર લીધો. વાપી આજે દેશના મોટામાં મોટા ઔદ્યોગિક વસાહતોમાંનું એક ગણાય છે. તે જ રીતે ઉમરગામ, સરીગામ, ગુંદલાવ જેવી ઔદ્યોગિક વસાહતો પણ આ વિસ્તારમાં વિકસી છે. આ બધાનું પરિણામ એ આવ્યું કે, પ્રવાહી પ્રદૂષણ કચરાને કારણે પાણીનાં તળ પ્રદૂષિત થયા અને કારખાનાઓની ચીમનીઓમાંથી સતત ઓકાતા જતાં ધુમાડાઓના કારણે આ વિસ્તારોમાં વાયુપ્રદૂષણ પણ મોટા પાયે પેદા કર્યું. પહેલાં પણ ઉદ્યોગ સાહસિકો હતા પણ એમનું આયોજન પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગોઠવતા જેનું આદર્શ ઉદાહરણ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપાયેલ અતુલનું ઔદ્યોગિક સંકુલ છે. આની સીધી અસર બાગાયતી પાકો ઉપર થઈ. જ્યાં જ્યાં વાયુપ્રદૂષણ છે ત્યાં આંબા પર પાકતી કેરી અને ચીકુનો ઉતાર તેમજ ગુણવત્તા બંનેને અસર થઈ છે.

ત્રીજું કારણ દિવસે દિવસે ઓછી ને ઓછી પોષણક્ષમ બનતી જતી ખેતી અને એને કારણે ઉદ્યોગો માટે સારો ભાવ મળતો હોય તો જમીન વેચી પણ દેવાની વાત ખેડૂતમાં પ્રવેશી છે. આ પાશ્ચાતભૂમિકા સાથે એક ચોંકાવી દે તેવા સમાચાર મારા ધ્યાનમાં આવ્યા છે, જે બિઝનેસ લાઈફ નામની સાઈબર સમાચાર પર એગ્રી બિઝનેસના મથાળા હેઠળ અવિનાશ નાયર દ્વારા 28 એપ્રિલ, 2026ના લેખમાં વાંચવા મળે છે. શ્રી નાયર પોતાના લેખની શરૂઆતમાં જ કહે છે કે, ગુજરાતમાં ચીકુનું ઉત્પાદન ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે અને એમાં સૌથી મોટો ઘટાડો સુરત જિલ્લામાં જોવા મળ્યો છે. અવિનાશ નાયરના કહેવા પ્રમાણે ગુજરાતમાં પેદા થતાં ચીકુનું ઉત્પાદન 25 ટકા ઘટ્યું છે. ઉપલબ્ધ માહિતી મુજબ ગુજરાતમાં 2015-16માં 3.25 લાખ ટન હતું, જે માત્ર દસ વર્ષ કરતાં ઓછા સમયમાં 2025-26માં ઘટીને 2.40 લાખ ટન થઈ જવા પામ્યું છે.

લોકો ચીકુનાં વૃક્ષો કાપી રહ્યા છે એ વાત તો મેં મારા દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ઘણી વાર ખેડૂતોના મુખેથી સાંભળી છે. આ કારણસર ચીકુ પકવનાર ખેડૂતો દ્વારા 29,562 હેક્ટરમાં ચીકુનો પાક લેવાતો હતો તે ઘટીને 24,622 હેક્ટર થઈ ગયો છે. ગુજરાતમાં ચીકુનું ઉત્પાદન અને વાવેતર છેલ્લા દાયકામાં સતત ઘટી રહ્યા છે, જેનું કારણે ચીકુના કુલ ઉત્પાદનમાં અગાઉ જણાવ્યું તેમ 25 ટકા ઘટાડો થયો છે, જ્યારે ચીકુના વાવેતર હેઠળની જમીનમાં આ જ સમયગાળા દરમિયાન 16.7 ટકાનો ઘટાડો થયો છે. આ માહિતી ગુજરાત રાજ્યના બાગાયત નિયામકની કચેરી પાસેથી મળી છે.

ચીકુની બાગાયતી ખેતી કરનાર મુખ્ય જિલ્લાઓમાં સૌથી ખરાબ અસર સુરત જિલ્લામાં જોવા મળી છે. સુરત જિલ્લામાં ચીકુ પકવતો બાગાયતી વિસ્તાર છેલ્લા દાયકામાં 58.5 ટકા ઘટ્યો છે. આ પરિસ્થિતિની સાથે જ્યારે આપણે ગુજરાત સરકાર ચીકુનો પાક લેનાર બાગાયતી જમીનના વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ નંબરે છે એવું કહે ત્યારે બાગાયતી ખેતીનો એક મુખ્ય પાક એવા ચીકુનું નિકંદન નીકળી રહ્યું છે એવું સ્પષ્ટ જોઈ શકાય છે. અગાઉ જણાવી ગયા તેમ ચીકુનું કુલ ઉત્પાદન 25 ટકા ઘટ્યું છે, તેની સાથોસાથ ચીકુનો બાગાયતી વિસ્તાર જે 2015-16માં 29,562 હેક્ટર (ઉત્પાદન 3.25 લાખ ટન) હતો તે ઘટીને 2024-25માં કૂલ ઉત્પાદન વિસ્તાર 24,622 હેક્ટર (ઉત્પાદન 2.40 લાખ ટન) થવા પામ્યો છે.

આમ, દેશમાં પ્રથમ નંબરે ચીકુનાં બાગાયતી પાક હેઠળની જમીન ધરાવવાનો દાવો કરનારું ગુજરાતમાં આજે ચીકુની ખેતી તેમજ ઉત્પાદન બંને ચિંતાજનક રીતે ઘટી રહ્યા છે. આ ઘટાડામાં સૌથી નોંધપાત્ર (58.5 ટકા જમીન ઘટાડો) સુરત જિલ્લામાં થયો છે, એ ઊડીને આંખે વળગે તેવી બાબત છે. આ પરિસ્થિતિમાં ગુજરાતનો ખેડૂત ચીકુની ખેતીથી કેમ દૂર જઈ રહ્યો છે અને સુરત જેવા જિલ્લામાં જ્યાં ઉદ્યોગીકરણ અને શહેરીકરણને કારણે ચીકુ પકવતી 58.5 ટકા વાડીઓનું નિકંદન નીકળી ગયું છે ત્યારે વિકલ્પે અન્ય વિસ્તારોમાં ચીકુના બાગાયતી પાક હેઠળ લાવી શકાય કે કેમ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પોતાના ચીકુના ઉત્પાદન સામે સારા ભાવ મળી શકે કે કેમ તે બાબત ખેડૂતો, કૃષિનિષ્ણાતો અને નવસારી ખાતેનીકૃષિ યુનિવર્સિટી બધાને સાથે રાખીને રાજ્યના બાગાયતી વિભાગે અભ્યાસકરવો જોઈએ.

ચીકુની માફક હવા પ્રદૂષણ તેમજ મોસમના અણધાર્યા ફેરફારોને કારણે કેરીના ઉત્પાદન પણ છેલ્લા દસ વર્ષમાં શું અસર થઈ છે અને દક્ષિણ ગુજરાતની કેરીનાં મુખ્ય હોલસેલ બજારોમાં થતી આવકોમાં શું ફેરફાર થયો છે તે બાબત પણ અભ્યાસ થવો જોઈએ અને હાફૂસ તેમજ કેસર અથવા રાજાપુરી જેવી અન્ય કેરીનું ઉત્પાદન કેમ વધે, હયાત ખેડૂતો કઈ રીતે ટકી રહે અને નવા ખેડૂતો આ બાગાયતી પાક તરફ કઈ રીતે વળે તે બાબતે પણ બાગાયતી વિભાગે ચિંતા કરવી જોઈએ. નવસારી કૃષિ યુનિવર્સિટી તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો તેમજ પ્રગતિશીલ ખેડૂતોને તેમજ મેનેજમેન્ટ અને માર્કેટિંગ નિષ્ણાતોને એક સાથે જોડીને દક્ષિણ ગુજરાતના આ બે મહત્ત્વના બાગાયતી પાકો અંગે એક તટસ્થ અને તલસ્પર્શી વિશ્લેષણ થવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top