સિટી બસ સ્ટેન્ડ પાસે 4:15 વાગ્યે અકસ્માત, ગંભીર ઇજાથી ઘટનાસ્થળે જ મોત
મહિલાની ઓળખ અંગે તપાસ શરૂ, ફરાર કારચાલકની શોધખોળ તેજ
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૩
વડોદરાના એમ.જી. રોડ પર વહેલી સવારે હિટ-એન્ડ-રનનો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા કારચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં સિટી બસ સ્ટેન્ડ નજીક સવારે અંદાજે 4:15 વાગ્યે બન્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહિલાને કારની જોરદાર ટક્કર લાગતાં તેઓ ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. સાથે જ મહિલાની ઓળખ મેળવવા તેમજ ફરાર કારચાલકને ઝડપવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના બનાવોને પગલે નાગરિકોમાં ચિંતા વ્યાપી રહી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.