Vadodara

વોટ પડ્યા અને ભાવ વધ્યા, ચૂંટણી પૂરી થતા જ જનતાને મળ્યો મોંઘવારીનો ‘પ્રસાદ’

કોમર્શિયલ ગેસના ભાવમાં ₹993નો તોતિંગ ઝીંકાયો, સિલિન્ડરનો ભાવ ₹3000ને પાર

ઓઈલ કંપનીઓએ રાતોરાત ઝીંક્યો ભાવવધારો, ગૃહિણીઓને રસોડામાં રાહત પણ બહારની લિજ્જત હવે કડવી લાગશે

(પ્રતિનિધિ), વડોદરા. તા.1

સરકારી ઓઈલ કંપનીઓએ 1 મે 2026 ના રોજ રસોડાના બજેટને વેરવિખેર કરી નાખતો નિર્ણય જાહેર કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એકઝાટકે ₹993નો અકલ્પનીય વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે જ હવે વેપારી એકમો માટે ગેસનો બાટલો સોના જેવો મોંઘો થયો છે.

1 એપ્રિલના રોજ જે સિલિન્ડરના ભાવ સ્થિર જણાતા હતા, તેમાં મે મહિનાની શરૂઆતમાં જ મોટો ભડકો થયો છે. દિલ્હીમાં અત્યાર સુધી જે સિલિન્ડર ₹2078.50 માં મળતું હતું, તે હવે ₹3071.50 એ પહોંચ્યું છે.

રાહતની એકમાત્ર વાત એ છે કે ઘરેલું વપરાશ માટેના 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ, આ રાહત માત્ર દેખીતી છે. કોમર્શિયલ ગેસ મોંઘો થતા તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર જ પડવાની છે.

કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધારાની સાથે હવે હોટલ માલિકો પર ગેસનો આર્થિક બોજ વધશે. જેના કારણે હવે પંજાબી થાળી, ગુજરાતી ભોજન અને નાસ્તાના ભાવમાં 15% થી 25% સુધીનો વધારો થઈ શકે છે. પાઉંભાજી, પફ, સમોસા કે વડાપાઉં વેચતા નાના લારી-ગલ્લા ધારકો હવે ભાવ વધારવા મજબૂર બનશે. અત્યારે લગ્નની સિઝન ફૂલ જોશમાં છે, ત્યારે કેટરિંગના ભાવમાં પણ વધારો થવાથી મધ્યમ વર્ગના લગ્ન-પ્રસંગોનું બજેટ ખોરવાઈ જશે.

આર્થિક વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં થતી હલચલને આનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. જોકે, જાણકારો માને છે કે ચૂંટણીના મતદાન પ્રક્રિયા દરમિયાન ભાવ સ્થિર રાખ્યા બાદ હવે કંપનીઓ પોતાનું નુકસાન ભરપાઈ કરવા માટે આટલો મોટો ‘ઝટકો’ આપી રહી છે.

જેવા ગેસના ભાવ વધારાના સમાચાર વહેતા થયા, સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ જોવા મળ્યો છે. નેટિઝન્સ કહી રહ્યા છે કે મતદાન પૂરું થતાની સાથે જ ભેટ મળવાની શરૂ થઈ ગઈ છે.

જો કોમર્શિયલ ગેસના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવામાં નહીં આવે, તો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો આવશે જે સરવાળે રિટેલ ફુગાવો વધારવાનું કામ કરશે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે કોઈ હસ્તક્ષેપ કરે છે કે જનતાએ આ મોંઘવારી સહન કરવી પડશે.

Most Popular

To Top