Gujarat

પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી ૫૦ લાખની બેંક લૂંટનો ભેદ ઉકેલવા સુરત પોલીસ એક્શનમાં

લૂંટારૂ ગેંગની ઓળખ થઈ, આશ્રયસ્થાન સુધી પહોંચી તપાસ; ટૂંક સમયમાં ધરપકડની શક્યતા

Surat શહેરમાં તાજેતરમાં બનેલી ૫૦ લાખ રૂપિયાની ચોંકાવનારી બેંક લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા શહેર પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચ સતત રાઉન્ડ-ધ-ક્લોક કાર્યવાહી કરી રહી છે. પોલીસે લૂંટ ચલાવનાર ગેંગની ઓળખ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે અને તેઓ જ્યાં રોકાયા હતા તે સ્થળ પણ શોધી કાઢ્યું હોવાનું જાણવા મળે છે. મહત્વપૂર્ણ લીડ મળતા હવે ટૂંક સમયમાં જ આરોપીઓ પોલીસ પકડમાં આવી જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં લંબેહનુમાન રોડ પર એફિલ ટાવરની બાજુમાં આવેલ શક્તિ ટાવરમાં કાર્યરત State Bank of India ની શાખામાં ૨૭ એપ્રિલના રોજ બપોરે એકથી બે વાગ્યા દરમિયાન છ સશસ્ત્ર લૂંટારૂઓએ બેફામ ધાડ પાડી હતી. લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંકના સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસીએટ કાર્તિક પ્રજાપતિ, ક્રેડિટ કાર્ડ વિભાગની કર્મચારી રિદ્ધિબેન, પ્યુન ગૌરવ ચૌધરી અને એટીએમ ગાર્ડ ગજેન્દ્ર પાટીલ સહિત બેંકમાં હાજર અન્ય ગ્રાહકોને ધમકાવી લગભગ ૫૦ લાખ રૂપિયા રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા.

ઘટનાના પગલે પોલીસ દ્વારા શહેરભરના ૨૫૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ ફૂટેજના આધારે લૂંટારૂઓ ત્રણ બાઈક પર મોરાભાગળ તરફથી આવતા અને સરથાણા શ્યામધામથી વાલક જંક્શન મારફતે ઉમરા-વેલંજા તરફ ભાગતા હોવાનું ટ્રેક થયું હતું. તપાસની દિશા આગળ વધતા પોલીસ ટીમ સાયણ વિસ્તાર સુધી પહોંચી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ ઘટનાને શહેર પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન માનીને ક્રાઈમ બ્રાન્ચના પાંચ પીઆઈ અને દસ પીએસઆઈની વિશેષ ટીમ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હાઈટેક ટેકનોલોજીની મદદથી સીસીટીવીમાંથી આરોપીઓના સ્પષ્ટ ફોટોગ્રાફ તૈયાર કરીને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોની પોલીસને પણ મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન મળેલી મહત્વપૂર્ણ કડીઓના આધારે લૂંટારૂઓના આશ્રયસ્થાન સુધી પોલીસ પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું છે. હવે મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપીઓની ધરપકડ માત્ર સમયનો પ્રશ્ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Most Popular

To Top