India

જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં દિલ દહોળતી ઘટના: “પપ્પા મળ્યા તો હાથ પકડી લીધો મમ્મી અને ભાઈ લાપતા, નાનીનું મોત” બાળકીનો કંપારી છૂટી જાય એવો વર્ણન

મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના નર્મદા નદી પર આવેલા બર્ગી ડેમ વિસ્તારમાં થયેલી ભયાનક ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો છે. પ્રવાસીઓથી ભરેલી ક્રૂઝ બોટ અચાનક આંધીએ અને તેજ પવનના કારણે સંતુલન ગુમાવીને પલટી જતા અનેક લોકો પાણીમાં સપડાયા. ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે અને કેટલાક લોકો હજુ લાપતા હોવાનું જણાવાયું છે.

આ દુર્ઘટનામાંથી બચી ગયેલી એક નાનકડી બાળકીનું હૃદયદ્રાવક નિવેદન સાંભળીને દરેકની આંખો ભીની થઈ ગઈ. બાળકી કંપતા અવાજે જણાવ્યું કે, દુર્ઘટના પછી તેણે પોતાના પિતાનો હાથ પકડી લીધો હતો, પરંતુ તેની માતા અને ભાઈ હજુ સુધી મળી શક્યા નથી, જ્યારે તેની નાનીનું આ અકસ્માતમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના પછી સમગ્ર પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે.

માહિતી અનુસાર, ક્રૂઝ બોટમાં આશરે 30થી વધુ પ્રવાસીઓ સવાર હતા. અચાનક હવામાનમાં ફેરફાર થતાં તેજ પવન અને ઊંચી તરંગોના કારણે બોટનું સંતુલન બગડ્યું અને તે ધીમે ધીમે પાણીમાં ડૂબી ગઈ. ઘટનાની જાણ થતાં જ પોલીસ, SDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. અત્યાર સુધી અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકો હજુ લાપતા હોવાનું કહેવાય છે.

દુર્ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં હવામાનમાં અચાનક આવેલા ફેરફારને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.આ દુર્ઘટનાએ પ્રવાસન સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

મૃતકોના પરિવારજનોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે અને લાપતા લોકોને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. જબલપુરની આ કરૂણ ઘટના દેશભરમાં શોકની લાગણી પેદા કરી રહી છે, ખાસ કરીને બાળકીના કરુણ શબ્દોએ ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ કરી દીધી છે.

Most Popular

To Top