Vadodara

નશાકારક કફ સીરપના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ: વડોદરાની ફાર્મા પેઢીનું હોલસેલ લાઇસન્સ કાયમી રદ

8,530 બોટલની ખરીદી સામે સ્ટોક ગાયબ; બિલ વગર 980 બોટલ વેચાણ સાબિત
યુવાધનને નશાખોરી તરફ ધકેલતી પ્રવૃત્તિ સામે તંત્રનું કડક પગલું

વડોદરા:;
જાહેર આરોગ્યના હિતમાં અને નશાકારક દવાઓના દુરુપયોગને રોકવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા દ્વારા નશાકારક કફ સીરપના ગેરકાયદેસર વેચાણના નેટવર્ક સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ભાયલી વિસ્તારમાં આવેલી M/s. Hem Care Pharma પેઢી દ્વારા મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની હકીકત સામે આવતા પેઢીના હોલસેલ પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે.
તપાસમાં બહાર આવ્યું કે પરવાનેદાર પ્રતિક નરેન્દ્રકુમાર બારોટ દ્વારા અમદાવાદની મેસર્સ પવન એજન્સી પાસેથી છેલ્લા ત્રણ મહિનામાં Codeine ઘટક ધરાવતી 8,530 બોટલ કફ સીરપ ખરીદવામાં આવી હતી. જોકે સ્થળ પર તપાસ દરમ્યાન દવાનો કોઈ જ સ્ટોક ઉપલબ્ધ ન હતો અને માત્ર 4,870 બોટલના વેચાણના બિલો જ રજૂ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બેચ નં. AL-6917, AL-7007 અને AL-7029 હેઠળની 980 બોટલો બિલ વગર અને પ્રિસ્ક્રિપ્શન વિના અજાણ્યા વ્યક્તિઓને વેચી દેવામાં આવી હોવાનું પુરાવાથી સાબિત થયું હતું. આ ગેરરીતિને ગંભીર જાહેર આરોગ્ય જોખમ ગણાવી તંત્રએ કડક વહીવટી કાર્યવાહી કરી છે.
કોડીન કફ સીરપનો દુરુપયોગ ગંભીર જોખમરૂપ
તંત્ર દ્વારા જણાવાયું છે કે Codeine આધારિત કફ સીરપનો નશા તરીકે ઉપયોગ થવાથી ગંભીર ડિપ્રેશન, શ્વાસ લેવામાં તકલીફ, હૃદયની ગતિ ધીમી પડવી, કોમા જેવી સ્થિતિ અને કેટલીકવાર જીવલેણ પરિણામો પણ સર્જાઈ શકે છે. તેથી આવા દવાઓના ગેરકાયદેસર વેચાણને અત્યંત ગંભીર ગુનો માનવામાં આવે છે.
લાઇસન્સ કાયમી રદ કરવાનો આદેશ
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ–1940 હેઠળ થયેલા ઉલ્લંઘનો બદલ તા. 02-04-2026ના રોજ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. પરવાનેદારનો જવાબ અસંતોષકારક જણાતા અને ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પેઢીના ફોર્મ 20B, 21B અને 20G હોલસેલ લાઇસન્સ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી કાયમી રદ કરવામાં આવ્યા છે.
તંત્રના જણાવ્યા મુજબ આ પ્રવૃત્તિ માત્ર આર્થિક લાભ માટે નહીં પરંતુ નશાખોરીને પ્રોત્સાહન આપવાના ઈરાદાથી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે સમાજના યુવાધન માટે ગંભીર ખતરો છે.
નાગરિકોને મહત્વની અપીલ
તંત્રએ તમામ મેડિકલ સ્ટોર અને ફાર્માસિસ્ટોને કાયદાકીય મર્યાદામાં રહી વ્યવસાય કરવા સૂચના આપી છે તેમજ નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ અંગે માહિતી હોય તો તાત્કાલિક જાણ કરવા જાહેર જનતાને અપીલ કરી છે.
આ સમગ્ર તપાસ ઔષધ નિરીક્ષક એચ. એમ. જેપાલ દ્વારા હાથ ધરાઈ હતી અને કાર્યવાહીનું માર્ગદર્શન મદદનીશ કમિશનર ડૉ. એ. એચ. ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top