Gujarat

​મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI ના નકલી અધિકારી બની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ; ગાઝિયાબાદથી બે ઝડપાયા

​અમદાવાદ,તા.29

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે એક મોટી સફળતા મેળવતા, સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તરીકેની ખોટી ઓળખ આપી કરોડો રૂપિયાની લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (મોદીનગર) ખાતેથી ઝડપી લીધા છે.

​ઘટનાની વિગત

​ફરિયાદીને અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી ફોન કરી આરોપીઓએ પોતાની ઓળખ NPCI (National Payments Corporation of India) અને મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સના સિનિયર ઓફિસરો તરીકે આપી હતી. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેમની LIC પોલિસીના રૂ. 10 લાખ સરકારી વિભાગમાં જમા છે. આ રકમ પરત મેળવવાના બહાને ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી અને ફીના નામે કટકે-કટકે નાણાં પડાવ્યા હતા.
​ત્યારબાદ, ફરિયાદીને રૂ. 1,48,70,390 જેટલી માતબર રકમ મળવાપાત્ર છે તેવી લાલચ આપી, તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અને નવું સીમકાર્ડ મેળવી દિલ્હી કુરિયર કરાવી લીધું હતું. આ રીતે આરોપીઓએ ફરિયાદી સાથે કુલ રૂ. 47,35,874 ની છેતરપિંડી આચરી હતી.

​ઝડપાયેલ આરોપીઓ અને તેમની ભૂમિકા

​સુમિતકુમાર રાધેશ્યામ કોલી (ઉ.વ. 32) – જે અગાઉ નોઈડાના કોલ સેન્ટરોમાં ટેલીકોલર તરીકે કામ કરતો હતો. તે ફરિયાદીને ‘મિતેશકુમાર’ કે ‘જગદીશચંદ્ર વ્યાસ’ બનીને ફોન કરતો અને નકલી આઈ-કાર્ડ તથા આધારકાર્ડ મોકલી વિશ્વાસ કેળવતો હતો.
​આશુ સંતકુમાર અગ્રવાલ (ઉ.વ. 27) – જે સીમકાર્ડ વેચવાનું કામ કરતો હતો. તે નિર્દોષ ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી, એકને બદલે બે સીમકાર્ડ ઈસ્યુ કરી વધારાનું સીમકાર્ડ ગુનેગારોને બ્લેકમાં વેચતો હતો.

​સાયબર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ટીમે ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે ગાઝિયાબાદમાં દરોડો પાડી આ બંનેની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા સીમકાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે.

​અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચની ચેતવણી

​1) વીમા પોલિસીમાં વધારાના નફા કે બોનસની લાલચ આપતા ફોન કોલ્સથી સાવધ રહેવું.

​2) કોઈ અજાણી વ્યક્તિ સરકારી અધિકારી બનીને વાત કરે તો તરત વિશ્વાસ ન કરવો.

​3) નવું સીમકાર્ડ લેતી વખતે જો ડિસ્ટ્રીબ્યુટર ‘ટેકનિકલ એરર’ના બહાને એકથી વધુ વખત બાયોમેટ્રિક વેરીફિકેશન કરાવે તો સાવચેત રહેવું, કારણ કે એક સીમકાર્ડ માટે એક જ વાર વેરીફિકેશન જરૂરી છે.
​જો તમારી સાથે છેતરપિંડી થાય, તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો.

Most Popular

To Top