ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગુજરાતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી એટલે કે યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની પ્રજાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
‘એકસ’ પર પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું હતું કે રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. આ અવસરે, હું ભાજપના વિશાળ કાર્યકર્તા પરિવારના જમીનસ્તરના અવિરત પ્રયત્નોની સરાહના કરું છું અને અભિનંદન પાઠવું છું. તેઓ હંમેશાં જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજવા અને સમર્પિત ભાવથી ઉકેલવા માટે કાર્યરત રહ્યા છે. આ જ કારણે ભારતીય જનતા પાર્ટી વારંવાર ગુજરાતના લોકોની પ્રથમ પસંદ બની રહી છે.