Vadodara

છાણીમાં બે બાઈક વચ્ચે કાળમુખો અકસ્માત: સો-મીલ માલિક વૃદ્ધનું કરુણ મોત​

નાયરા પેટ્રોલ પંપ પાસે સર્જાયેલી જોરદાર ટક્કરમાં 68 વર્ષીય મગનભાઈ પટેલનું માથામાં ગંભીર ઈજા થવાથી અવસાન

વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. નાયરા પેટ્રોલ પંપની સામે બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતા એક વૃદ્ધનું ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ, છાણી વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપની સામે બે બાઈક સવારો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને મૃતકના સંબંધીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકની ઓળખ મગનભાઈ નારાયણભાઈ પટેલ (ઉંમર આશરે 68 વર્ષ) તરીકે થઈ છે. તેઓ છાણી વિસ્તારના રહેવાસી હતા અને છાણીમાં જ લાકડાની સો-મીલ ધરાવતા હતા. મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં મગનભાઈ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બે બાઈક વચ્ચે અકસ્માત કયા કારણોસર સર્જાયો અને કોની બેદરકારી હતી તે અંગે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છાણીના જાણીતા વેપારીનું અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top