ભરૂચ: ભરૂચ નગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના ઐતિહાસિક અને અત્યંત રસાકસીભર્યા પરિણામો જાહેર થતાં જ શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. પોલીટેકનિક કોલેજ ખાતે ભરૂચની જનતાએ પોતાનો સ્પષ્ટ ચુકાદો આપી દીધો છે. આ ચૂંટણીમાં ભાજપે 65.91 ટકા હિસ્સા સાથે 29 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ 22.73 ટકા હિસ્સા સાથે 10 બેઠકો પર રહી ગઈ છે. સૌથી ચોંકાવનારો આંકડો AIMIM નો છે જેણે 9.09 ટકા હિસ્સા સાથે 4 બેઠકો મેળવી છે અને 2.27 ટકા સાથે 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે.
વિકાસના મુદ્દે મેદાનમાં ઉતરેલી ભાજપે ભરૂચ નગરપાલિકામાં પોતાનો દબદબો યથાવત રાખતા સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. ગત ટર્મની સરખામણીમાં પક્ષને 2 બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું હોવા છતાં, ભાજપના ગઢ ગણાતા વોર્ડ 3થી 7 માં સતત પેનલ વિજેતા થતાં કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. પૂર્વ પ્રમુખો વિભૂતિબા યાદવ, સુરભિબેન તમાકુવાલા અને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ જેવા દિગ્ગજ નેતાઓ ફરી એકવાર ચૂંટાઈ આવતા કાર્યકરોએ વિજયના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. અંતિમ ચરણમાં વોર્ડ 11 માં પણ ભાજપના ચિરાગ ભટ્ટ, ગણેશ કાયસ્થ, સ્વાતિ જાદવ અને કાજોલ વસાવાની પેનલ વિજેતા બનતા કોંગ્રેસની ગાબડું પાડવાની કોશિશ નિષ્ફળ રહી હતી.
આ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે પોતાના પરંપરાગત ગઢ ગણાતા વોર્ડ 1 અને 2 માં ઉમેદવારોને વિજય અપાવ્યો હતો. વોર્ડ 1 માં એક ભાજપે એક ડ્રાઇવરને ટિકિટ આપી હતી. જેને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ‘ચૂંટણી જીતીને વોર્ડનું ડ્રાઇવિંગ કરો’ તેવા આશીર્વાદ મેળવનાર આસીફ સોલંકીની કારમી હાર થઈ હતી. જો કે, કોંગ્રેસ માટે વિવાદિત બનેલી વોર્ડ-1 ની બેઠકમાં વિવાદમાં ઘેરાયેલ સમસાદ અલી સૈયદ જંગી મતોથી જીતતા કોંગ્રેસે આ વોર્ડની તમામ બેઠકો કબ્જે કરી હતી.
ભરૂચ પાલિકાના રાજકારણમાં આ વખતની ચૂંટણી સૌથી યાદગાર બની રહેશે, કારણ કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. વોર્ડ 10માં AIMIMની આખી પેનલના ચારેય ઉમેદવારો વિજયી થયાં છે. 4 બેઠક પર કબજો જમાવીને AIMIM એ ખાસ કરીને કોંગ્રેસની મતબેંકમાં મોટું ગાબડું પાડ્યું છે. ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલો વોર્ડ 8 પરિણામના દિવસે પણ કેન્દ્રમાં રહ્યો હતો. ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ થઈને કોંગ્રેસનો પંજો પકડનાર પૂર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટ અને તેમના પેનલના મહિલા ઉમેદવાર દિનાબેન ખુમાણ વિજયી થતાં ભાજપની પેનલ તૂટી હતી. જો કે, આ જ વોર્ડમાં ભાજપના ધનજી ગોહિલ અને ભાવિશા રાણા પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ વોર્ડ 9 માં અપક્ષ ઉમેદવાર સતિષ મિસ્ત્રીએ ભાજપની પેનલને જોરદાર ટક્કર આપીને સતત 7 મી વખત વિજયનો તાજ પહેરીને પોતાનો દબદબો સાબિત કર્યો છે.