સુરત શહેરમાં 3,000 CCTV કેમેરાથી કડક નજર, અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર Anupam Singh Gehlotએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરભરમાં આશરે 10,000 જેટલા પોલીસ જવાનો તહેનાત કરવામાં આવશે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર પણ શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિશેષ સુરક્ષા આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ SRP અને હોમગાર્ડ સહિતના પોલીસ જવાનોને તમામ મતદાન મથકો અને સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે.સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની કુલ 40 સ્પેશિયલ ટીમો સતત પેટ્રોલિંગ કરશે. સાથે જ કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તરત પ્રતિસાદ આપી શકાય તે માટે 10 ચેકપોસ્ટ અને 36 ક્વિક રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત રહેશે.
ચૂંટણી દરમિયાન સમગ્ર શહેરમાં 3,000 CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસને 125 વીડિયો કેમેરા અને 800 બોડી-વોર્ન કેમેરા પણ આપવામાં આવ્યા છે, જેથી મતદાન પ્રક્રિયા પારદર્શક અને સુરક્ષિત રહે.
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 83 લોકોને શહેર બહાર પાસા હેઠળ હદપાર કરવામાં આવ્યા છે, જ્યારે 30 લોકોને તડીપાર કરવામાં આવ્યા. કુલ 14,000 જેટલા લોકો સામે અટકાયતી કાર્યવાહી પણ કરવામાં આવી છે.
પોલીસ કમિશનર Anupam Singh Gehlot એ સુરતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ લોકશાહી ના આ મહાપર્વમાં નિર્ભય બનીને મતદાન કરે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં પોલીસ તંત્રને સહકાર આપે.