અમદાવાદ : ગુજરાતમાં કોગ્રેસ દ્વારા પંચાયતી રાજનો પાયો નાખયો હતો. આ પંચાયતી રાજના મોડલને સમગ્ર દેશે સ્વીકાર કર્યો હતો, પરંતુ કમનસીબે વર્તમાન ભાજપની સરકાર દ્વારા સત્તાનું કેન્દ્રીયકરણ કરાતા, ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને ગ્રામીણ પંચાયતી રાજનો ઢાંચો નબળો પડી ગયો છે. પરિણામે ગુજરાત પંચાયતી રાજમાં દેશમાં 18માં ક્રમે ધકેલાઈ ગયું છે. આજે લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા અધિકારીઓનું જોર વધ્યું છે. રાજ્યમાં ગામડાંઓ તૂટતા જઈ રહ્યા છે અને શહેરીકરણ તરફનો ઝુકાવ વધી રહ્યો છે, જે ચિંતાજનક છે.
પંચાયતી રાજને મજબૂત કરી, પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા સાથે ગ્રામીણ વિકાસ અને સત્તાના વિકેન્દ્રીકરણ માટે કોંગ્રેસનું વિઝન રજુ કરતાં પ્રદેશ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે કોંગ્રેસે ગ્રામ વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને પ્રવાસ ભથ્થું (T.A.) ચૂકવવાનું, VCE (કોમ્પ્યુટર ઓપરેટર)ને યોગ્ય પગાર સાથે કાયમી કરવાનો મુદ્દો, તેમજ દરેક તાલુકા અને જિલ્લા પંચાયતમાં “રાજીવ ગાંધી સેવા કેન્દ્ર” શરૂ કરી આધાર કાર્ડ, મા કાર્ડ અને અન્ય સરકારી સેવાઓ મફતમાં પૂરી પાડવાની યોજના રજૂ કરવામાં આવી.
વહીવટી પારદર્શિતા લાવવા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાને બંધ કરી કાયમી ભરતી અમલમાં લાવવા, તેમજ ભ્રષ્ટાચાર રોકવા માટે વિજિલન્સ કમિટીની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી. ગ્રામસભાને વધુ સશક્ત બનાવી, ગ્રામજનો દ્વારા નક્કી કરાયેલા એજન્ડા મુજબ બેઠક યોજવાની વાત પણ કરવામાં આવી.
મહિલા સશક્તિકરણ માટે ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓને તાલીમ આપી સક્ષમ બનાવવાનું અને શ્રેષ્ઠ કાર્ય કરનાર મહિલાઓને “ઇન્દિરા ગાંધી મહિલા સશક્તિકરણ એવોર્ડ” આપવાની જાહેરાત કરવામાં આવી. સાથે જ ગરીબ પરિવારોને આવાસ માટે પ્લોટ અને મકાન સુનિશ્ચિત કરવાની વાત પણ રાખવામાં આવી.
કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો કે વર્તમાન સમયમાં પંચાયતી રાજ વ્યવસ્થા માત્ર નામની રહી ગઈ છે અને અધિકારીઓનું પ્રભુત્વ વધી ગયું છે. ભારતીય જનતા પાર્ટી પર “કમિશન રાજ” ચલાવવાનો આરોપ મૂકતા કોંગ્રેસે સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.