Surat Main

SMC પહેલાં સુરત સુધરાઈ ઓળખાતી,તેનો ઇતિહાસ છે રસપ્રદ

આપણે બધા જ જાણીએ છીએ કે સુરત મહાનગરપાલિકા આપણને રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, આરોગ્ય, સ્ટ્રીટ લાઈટની પ્રાથમિક સુવિધાઓ આપે છે. આ SMC પહેલા સુરત સુધરાઈ હતી જેનું રૂપાંતરણ 1966માં સુરત મહાનગરપાલિકા થયું. 1852નું સુરત કેવું હશે તમે તેની કલ્પના કરી શકો છો? 19મી સદીના ઉત્તરાર્ધમાં રેલ, રોગ અને આગના સંકટ વખતોવખત આવતા રહ્યા હતા. જોકે, એ ગાળામાં શહેરમાં સુધરાઈની સ્થાપના થઇ ચુકી હતી. આ સુધરાઈ પાસે તે વખતે ઓછા સાધનો હતા તો પણ દરેક સંકટના સમયે સુધરાઈ સ્થાનિકોના દુઃખ હળવું કરવાના પ્રયત્ન કરતી હતી. સુરત સુધરાઈની સ્થાપનાને લઈને સુરતના લોકોનું વલણ પ્રતિકૂળ હતું. લોકોનું વલણ સાનુકૂળ કરવા ત્યારે કેવા પ્રયત્નો થયા હતા, સ્થાપના સમયે તેની કચેરી ક્યાં હતી, આ સુધરાઈ ક્યારે સુરત મહાનગર પાલિકા બની, તેમાં ચૂંટણીનું તત્ત્વ ક્યારે દાખલ થયું? આ પ્રશ્નોના જવાબ મેળવવા સાથે આપણે સુરત સુધરાઈનો રસપ્રદ ઇતિહાસ જાણીએ…

સુરત સુધરાઈ સ્થાપના બાબતે લોકો કેમ નિરુત્સાહી હતાં?
ઇતિહાસના પુસ્તકોમાંથી જાણવા મળે છે કે, 1846ની સાલમાં સુધરાઈએ કરવા જેવા કામોની જવાબદારી જિલ્લા જજ સંભાળતા હતા. સુધરાઈની સ્થાપનાને લઈને સુરતના લોકોની એક સભા મળી હતી પણ તેનું કોઈ પરિણામ દેખાયું નહીં. મોટાભાગના લોકોને સુધરાઈની સ્થાપના થવાથી શું ફાયદો થશે તેની સમજ નહીં હતી. લોકોને એવો ભય હતો કે આગળના રાજયકાળમાં જકાતનો જે ત્રાસ વેઠયો હતો તેવો જ ત્રાસ ભોગવવાનો આવશે. લોકોની આ વિચારધારાને કારણે સુધરાઈની સ્થાપનાને લઈને લોકોનું વલણ પ્રતિકૂળ હતું.
કઈ રીતે સ્થાપના થઈ અને તેની કચેરી ક્યાં હતી


15મી એપ્રિલ 1850ના દીને અંગ્રેજ એલેક્ઝાન્ડર કીન્લૉક ફોર્બસ સુરત આવ્યા તેમની નિમણૂક 1850નો કાયદો સુરતને લાગુ પાડવા માટે ખાસ અમલદાર તરીકે થઈ હતી. તેમણે દલપતરામ અને દુર્ગારામ તથા અન્ય ઉત્સાહી લોકોને સાથે રાખીને શહેરમાં ફરી ફરીને સુધરાઈના ફાયદા લોકોને સમજાવી લોકોનું વલણ સાનુકૂળ બનાવ્યું. 23 એપ્રિલ 1852ના દિને તેની સ્થાપના થઈ. ત્યારે નાનપુરામાં ટપાલ ખાતાની હેડ ઓફિસની પશ્વિમ તરફ એક ઓરડામાં તેની કચેરી હતી. ત્યાં 15 વર્ષ સુધી આ કચેરી કાર્યરત રહી હતી.
સુધરાઈ ક્યારે સુરત મહાનગરપાલિકા બની


મળતી માહિતી અનુસાર 1 ઓક્ટોબર 1966માં સુધરાઈ સુરત મહાનગરપાલિકામાં રૂપાંતરિત થઈ. સુરત સુધરાઈની સ્થાપના બાદ 1883માં પહેલીવાર ચૂંટણીનું તત્ત્વ દાખલ થયું. નિયમો પ્રમાણે શહેરના 12 વોર્ડ થયા હતા અને 12 વોર્ડમાં રહેતા 2694 વ્યક્તિઓને મતાધિકાર મળ્યો હતો
સુધરાઈની પ્રથમ બેઠક 15 મે 1852માં મળી હતી
સુધરાઈની સ્થાપના થઇ ત્યારે સુધરાઈની કમિટીમાં 12 સભ્યો હતાં. તેની પ્રથમ બેઠક 15 મે 1852ના દીને આયોજિત થઈ હતી. સ્થાપનાના 23 દિવસ બાદ સુધરાઈની જે પ્રથમ સભા મળી હતી તેમાં વિકાસ કામોની ચર્ચા થવા ઉપરાંત દરખાસ્ત પ્રમાણે કેટલીક નિમણૂકો કરવામાં આવી હતી. 1867માં સરકારને સુધરાઈની કચેરી માટે મુગલસરાઈ બિલ્ડીંગનો કબ્જો સોંપ્યો હતો, ત્યાંરથી અત્યાર સુધી એટલે કે 159 વર્ષથી અહીં જ શહેરની સુવિધાઓને લગતા કામો થાય છે.

Most Popular

To Top