માર્ગ પર પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડામણ, યુવક ગંભીર ઈજાગ્રસ્ત
પ્રાથમિક સારવાર બાદ વડોદરાની હોસ્પિટલમાં રિફર, ટ્રાફિકમાં અવરોધ સર્જાયો
(પ્રતિનિધિ), વડોદરા, તા. 24
વડોદરા જિલ્લાના ડભોઇ નજીક આવેલા વેગા ગામ પાસે આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહેલા એક યુવકની બાઈક માર્ગની સાઇડમાં ઉભેલા કન્ટેનર સાથે અથડાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ યુવક રોજની જેમ નોકરી પૂર્ણ કરીને બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન વેગા ગામ નજીક રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનર પાછળ તેની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થયો હતો અને યુવક રસ્તા પર ફંગોળાઈ ગયો હતો.
આ ઘટના બનતા આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી યુવકને પ્રથમ ડભોઇની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તે તબીબી સારવાર હેઠળ છે.

ઘટનાને પગલે ડભોઇ–વેગા રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાઈન લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી.
સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠી છે કે રસ્તા પર અંધારામાં અથવા જોખમી રીતે ઉભેલા ભારે વાહનોને કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે. તેથી તંત્ર દ્વારા આવા બનાવો અટકાવવા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.