Columns

બાલાજી રોડ અને બાલાજી મંદિર સાથે જોડાયેલું અમર નામ: કૃષ્ણ અર્જુન ત્રવાડી

સુરત એ મામલે ખરેખર ભાગ્યશાળી રહ્યું છે કે તેને એવા સંતાનો મળ્યા જેમની સખાવતે આ શહેરની આબરૂને વિશ્વફલક પર ઉજળી રાખી છે. આવું જ એક અણમોલ રત્ન એટલે શેઠ કૃષ્ણ અર્જુન ત્રવાડી. કદાચ આજની પેઢી માટે આ નામ અજાણ્યું હોય, પણ સુરતનું હૃદય ગણાતો ‘બાલાજી રોડ’, ત્યાંની ‘બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલ’ કે ગોપીપુરાની નાની છીપવાડમાં આવેલું ભવ્ય ‘બાલાજી મંદિર’ કોઈનાથી અજાણ નથી. ખાસ કરીને સુરતના જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા રાણા સમાજની શ્રદ્ધા આ મંદિર સાથે અતૂટ છે, કારણ કે સુરતની જરીનો મોટો હિસ્સો દક્ષિણ ભારતની રેશમી સાડીઓમાં વણાય છે અને ત્યાંના પ્રભાવે સુરતીઓ પણ ભગવાન વ્યંકટેશના અનન્ય ભક્ત બની ગયા છે.

પણ આ મંદિરના નિર્માણની કથા કોઈ ચમત્કારથી કમ નથી! શેઠ કૃષ્ણ અર્જુન ત્રવાડી અને તેમના પત્ની યશવંતી અત્યંત ધર્મપરાયણ હતા. તેમના ઘરમાં બાલાજીની એક નાની મૂર્તિ હતી. એક દિવસ જ્યારે શેઠાણી યશવંતી પ્રતિમા પર કેસરયુક્ત જળ ચઢાવી રહ્યા હતા, ત્યારે અચાનક વાતાવરણમાં મોગરાની તીવ્ર અને મધુર સુગંધ ફેલાઈ ગઈ! શેઠાણી સ્તબ્ધ થઈ ગયા, કારણ કે ત્યાં કોઈ પુષ્પ નહોતું. એ જ રાત્રે એક અદ્ભુત ઘટના ઘટી; દંપતીને એક સમાન સ્વપ્ન આવ્યું જેમાં ભગવાને આજ્ઞા કરી— “મને મંદિરમાં પધરાવો.”
આ દૈવી સંકેતને સાકાર કરવા શેઠે જાણીતા સલાટ હરગોવિંદજીની સલાહ લીધી. તેમણે સૂચવ્યું કે મંદિર શહેરના મધ્યભાગમાં હોવું જોઈએ જેથી જનસામાન્યને દર્શનનો લાભ મળે. અંતે ગોપીપુરાના લીમડાચોકની દક્ષિણે જગા નક્કી થઈ. શેઠે ખાસ જયપુરથી શ્રેષ્ઠ મૂર્તિકારોને બોલાવ્યા અને પોતાની ઘરની નાની મૂર્તિ જેવી જ આબેહૂબ ભવ્ય પ્રતિમા કંડારવાનો આદેશ આપ્યો. જ્યારે મૂર્તિ તૈયાર થઈ, ત્યારે શેઠ એટલા ભાવવિભોર થઈ ગયા કે તેમણે કારીગરોને થાળ ભરીને એટલા સિક્કા આપ્યા કે કારીગરો તેને ઉંચકી પણ ન શક્યા! અંતે શેઠે પોતે ઘોડાગાડીની વ્યવસ્થા કરી તે નાણું કારીગરોના ઘર સુધી પહોંચાડ્યું.
ઈ.સ. ૧૮૦૨માં જ્યારે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ, ત્યારે આકાશમાંથી પણ અમીછાંટણા થયા હતા. એવું કહેવાય છે કે તે સમયે શેઠ-શેઠાણીએ આખા સુરતને પાવન કરવા સોનામહોરો અને સાચા મોતીઓના થાળ દર્શનાર્થીઓ પર લૂંટાવ્યા હતા! તે દિવસે આખું સુરત “બાલાજી ભગવાનની જય” સાથે “શેઠ કૃષ્ણ અર્જુન ત્રવાડીનો જયજયકાર” કરી રહ્યું હતું. આજના યુગમાં ભલે ૩ લાખની કિંમત નાની લાગે, પણ ૧૮૦૨માં જ્યારે રૂપિયો ‘ગાડાના પૈંડા’ જેવો મોટો ગણાતો, ત્યારે આટલો ખર્ચ કરવો એ શેઠના ‘બાદશાહી દિલ’નો પુરાવો છે. આજે પણ આ મંદિરના પ્રાંગણમાં રામજી, રણછોડજી અને મહાદેવના મંદિરો ભક્તોને શાંતિ અર્પે છે. લોકવાયકા છે કે શુભ ચોઘડિયે સ્થાપિત આ પ્રતિમા સામે જે કોઈ સાચા હૃદયથી અરજ કરે છે, તેના કાર્યો અચૂક સફળ થાય છે. ત્રવાડી પરિવારના વંશજો આજે પણ આ ભવ્ય વારસા અને સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખી રહ્યા છે.

Most Popular

To Top