Columns

જીવનમાં સફળ થવા

એક યુવાને તેના દાદાને જઈને પૂછ્યું, ‘દાદા, તમારી પાસે જીવનભરનો અનુભવ છે, તમે જીવનમાં સફળ વેપારી રહ્યા છો અને ગામડેથી આવીને જાત મહેનતે શરૂઆત કરી છે તેમ દાદી હંમેશા કહે છે, તો આજે મારે તમારી પાસેથી જાણવું છે કે જીવનમાં સફળ થવા શું કરવું જોઈએ?’ દાદા હસ્યા અને બોલ્યા, ‘દીકરા મારી જીવનભરની અનુભવ મૂડીમાંથી જે શીખ્યો તે હું તને સમજાવીશ. બરાબર જાણજે અને સમજજે…જીવનમાં સફળ થવા માટે મજબૂત બનવું અને ડાહ્યા બનવું.’ યુવાન બરાબર સાંભળતો હતો તેને તરત પૂછ્યું, ‘દાદા, મજબૂત બનવું અને ડાહ્યા બનવું બે અલગ અલગ બાબતો છે!’

દાદાએ કહ્યું, ‘હા દીકરા બે અલગ અલગ બાબતો છે મજબૂત એવા બનવું કે જીવનમાં જે કોઈ પણ મુશ્કેલી આવે તેનો એકદમ હિંમતથી સામનો કરવો …ગમે તેવા દુઃખ પડે તૂટી ન જવું …નીચે પડી જાવ તો ફરી ઉભા થવું અને મુશ્કેલીઓ સામે લડી લઈને તેને હરાવી દેવી.’ યુવાને કહ્યું, ‘એકદમ બરાબર છે દાદા, હું એકદમ મજબૂત બનીશ અને હું કોઈ મુશ્કેલીથી નહિ ડરું અને તેનો બરાબર સામનો કરી હરાવી દઈશ.’ દાદાએ કહ્યું, ‘શાબાશ દીકરા, મજબૂત બનવું એમ કઈ સહેલું નથી બહુ મહેનત અને હિંમતની જરૂર પડશે અને હવે વાત કરું ડાહ્યા બનવા વિશે અને ધ્યાનથી સમજજે મજબૂત બનવા કરતા પણ ડાહ્યા બનવું વધારે અઘરું છે.’

યુવાને કહ્યું, ‘તમે સમજાવો દાદા ડાહ્યા બનવા શું કરવું ?’ દાદા હસ્યા અને બોલ્યા, ‘ડાહ્યા બનવા માટે હંમેશા સજાગ રહેવું પડે. ડાહ્યા એને કહેવાય જેઓ જીવનમાં મુશ્કેલીઓ અને તકલીફોને બહુ આવવા જ ન દે! અણધારી કોઈ મુશ્કેલી આવે તો તેનો બરાબર સામનો પણ કરી શકે.’ યુવાને કહ્યું, ‘દાદા એમ કઈ રીતે શક્ય છે મુશ્કેલીઓ તો જીવનમાં આવે જ ને…’ દાદાએ કહ્યું, ‘હા મુશ્કેલીઓ બધાના જીવનમાં આવે જ પણ ડાહ્યા માણસો તે ન આવે તે માટે હંમેશા સજાગ રહે અને મુશ્કેલીને આવવા પહેલા જ દૂર ભગાડવા માટે ડાહ્યા માણસ પાસે બે હથિયાર હોય છે.’

યુવાન તરત પૂછી બેઠો, ‘કયા બે હથિયાર દાદાજી??’ દાદા બોલ્યા, ‘ડાહ્યા માણસો હંમેશા ધીરજ રાખે છે અને પોતાની જીભ પર બોલવામાં કાબુ રાખે છે. આ બે હથિયાર પાસે હોય તો ઘણી મુશ્કેલીઓને આવવા પહેલા જ દૂર કરી શકાય છે.’ યુવાન બોલ્યો, ‘દાદાજી હું ડાહ્યા માણસના ગુણો અપનાવીશ.’ દાદાજીએ કહ્યું, ‘દીકરા જીવનમાં સફળ બનવા માટે મજબૂત અને ડાહ્યા બંને બનવું જ પડશે, જીભ પર કાબુ રાખીને ધીરજથી બધી પરિસ્થતિનો સામનો કરવો અને મુશ્કેલી ન દૂર થાય તો પછી મજબૂત બની લડી લેવું સમજ્યો.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top