Gujarat

મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ

ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રખ્યાત તીર્થધામ અંબાજી મંદિર ખાતે આગામી 22 એપ્રિલ અને 23 એપ્રિલ 2026ના રોજ ગબ્બર પર્વત પર દર્શન તેમજ રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.
આ અંગે મંદિરના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉનાળાની આકરી ગરમીને કારણે ગબ્બર પર્વતના પથ્થરો તથા રોપ-વે ટાવર આસપાસ મોટા પ્રમાણમાં મધપૂડાઓ રચાઈ ગયા છે. આવા સંજોગોમાં મધમાખીઓ અચાનક ઉડીને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, જેના કારણે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, યાત્રાળુઓના જીવને કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા ગબ્બર પર્વત પરથી મધપૂડાઓ ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવશે.

વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ તારીખોમાં ગબ્બર પર્વત પર જવાનું ટાળે અને સહકાર આપે, જેથી કામગીરી સરળતાથી પૂર્ણ કરી શકાય અને ભવિષ્યમાં સુરક્ષિત રીતે દર્શન સુલભ બની રહે.

Most Popular

To Top