Gujarat

DGGI અમદાવાદની મોટુ ઓપરેશન – ₹1,825 કરોડના GST રિફંડ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો

​અમદાવાદ,

ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI), અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓની ટીમે દેશના અત્યાર સુધીના સૌથી મોટા GST રિફંડ કૌભાંડોમાંના એકનો પર્દાફાશ કરીને તેના મુખ્ય સૂત્રધાર કપિલ ચુઘની ધરપકડ કરી છે. અંદાજે ₹1,825 કરોડના આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ કપિલ ચુઘને 19 એપ્રિલ 2026ના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરથી તે દુબઈથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો.

​તપાસથી બચવા દુબઈ ભાગી છૂટયો હતો

​કપિલ ચુઘ લાંબા સમયથી તપાસ એજન્સીઓની રડાર હેઠળ હતો. DGGI અમદાવાદ દ્વારા તેને અત્યાર સુધીમાં 22 જેટલા સમન્સ જારી કરવામાં આવ્યા હોવા છતાં તે તપાસમાં હાજર થયો ન હતો અને ધરપકડથી બચવા માટે દુબઈ ભાગી ગયો હતો. તેની વિરુદ્ધ અન્ય ઘણા આર્થિક ગુનાઓના કેસ પણ નોંધાયેલા છે.

​કૌભાંડની મોડસ ઓપરેન્ડી: ડમી કંપનીઓ અને ફેક ઇનવોઇસ

​ડીજીજીઆઈ, અમદાવાદ ઝોનલ યુનિટની તપાસમાં બહાર આવ્યું છે કે કપિલ ચુઘ અને તેના સહયોગી વિપિન શર્માએ મળીને આ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. સમગ્ર કૌભાંડની મળતી વિગતો મુજબ,

  • ​ડમી પેઢીઓનો ઉપયોગ: બીજાના KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક ડમી કંપનીઓ બનાવવામાં આવી હતી. આ કંપનીઓ માત્ર કાગળ પર જ હતી અને ત્યાં કોઈ વાસ્તવિક બિઝનેસ પ્રવૃત્તિ થતી ન હતી.
    ​• ​નકલી ITC જનરેશન: તમાકુના ઉત્પાદનોના હાઈ-વેલ્યુ ઈનવોઈસ બનાવીને માલની વાસ્તવિક અવરજવર વગર ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવામાં આવતી હતી.​
  • ​નિકાસના નામે છેતરપિંડી: નીચી કિંમતની તમાકુ પ્રોડક્ટ્સને કિંમતી ‘કિમામ/જરદા’ તરીકે દર્શાવીને નિકાસ કરવામાં આવતી હતી. કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (KASEZ) માંથી નકલી નિકાસ બતાવીને કરોડો રૂપિયાના રિફંડ ક્લેમ કરવામાં આવ્યા હતા.
    ​• ​સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલ: GST રજિસ્ટ્રેશનથી લઈને બેંકિંગ વ્યવહારો અને ઈ-વે બિલ બનાવવા સુધીની તમામ કામગીરી આ માસ્ટરમાઈન્ડ દ્વારા કેન્દ્રીય રીતે સંચાલિત કરવામાં આવતી હતી.

​બેંકો અને શેરબજાર સાથે પણ છેતરપિંડી

​કપિલ ચુઘ માત્ર GST ચોરી પૂરતો મર્યાદિત નહોતો. તેણે પોતાની નિકાસના ટર્નઓવરને ફૂલાવી-ફાલીને બતાવી યસ બેંક (Yes Bank) માંથી અંદાજે ₹11 કરોડની છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત, CBI દ્વારા તેની સામે બનાવટી દસ્તાવેજોના આધારે ક્રેડિટ સુવિધાઓ મેળવવા બદલ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ​તાજેતરમાં જ (30 માર્ચ 2026), સેબીએ પણ આ કૌભાંડ સાથે જોડાયેલા વિપિન શર્મા સામે કડક કાર્યવાહી કરી છે, જેમણે નકલી બિલિંગ દ્વારા પોતાની કંપની ‘એલિટકોન’ (Elitecon) ના વેલ્યુએશનમાં વધારો કર્યો હતો. ​હાલમાં, DGGI આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કૌભાંડીઓ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ કરી રહી છે. આ ધરપકડને આર્થિક ગુનાખોરી ડામવા માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Most Popular

To Top