સુપ્રીમ કોર્ટનો ટ્રિબ્યુનલને ‘આઉટ-ઓફ-ટર્ન’ સુનાવણીનો આદેશ
પશ્ચિમ બંગાળમાં Special Intensive Revision (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવેલી એક મહિલાની અરજી અંગે સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો છે. સુપ્રીમ કોર્ટએ રાજ્યના એપિલેટ ટ્રિબ્યુનલને આ મહિલાની અરજી પર વહેલી તકે આઉટ-ઓફ-ટર્ન સુનાવણી કરવાની વિનંતી કરી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે આપ્યો મહત્વપૂર્ણ નિર્દેશ : મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. મહિલાની તરફથી વરિષ્ઠ વકીલ શાદાન ફરાસતે દલીલ રજૂ કરી હતી કે અરજદાર પાસે પાસપોર્ટ છે અને તે વર્ષ 2002ની મતદાર યાદીમાં પણ નોંધાયેલ હતી તેમજ સતત મતદાન કરતી આવી છે.
વકીલે વધુમાં જણાવ્યું હતું કે 27 માર્ચે જ્યુડિશિયલ અધિકારી દ્વારા આપવામાં આવેલા નામ કાઢી નાખવાના આદેશને પડકારવામાં આવ્યો છે અને અંતિમ યાદી 27 એપ્રિલે બંધ થવાની હોવાથી તરત સુનાવણી જરૂરી છે. જો કે ટ્રિબ્યુનલમાં અરજી કરવા છતાં સુનાવણી મળી નહોતી જે બાદ સુપ્રીમ કોર્ટને જણાવાયું હતું કે મહિલાએ 3 એપ્રિલે જ એપિલેટ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો, છતાં હજુ સુધી તેની અરજી પર સુનાવણી થઈ નહોતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલને શક્ય તેટલી વહેલી તકે અરજી પર સુનાવણી કરવાની સૂચના આપી.
કોર્ટએ પોતાના આદેશમાં જણાવ્યું કે અરજદાર પહેલેથી જ SIR પ્રક્રિયા બાદ થયેલા બહિષ્કાર સામે ટ્રિબ્યુનલનો સંપર્ક કરી ચૂકી છે અને તેથી તેની અરજી પર પ્રાથમિકતા આધારે સુનાવણી કરવી જોઈએ. જો કે અગાઉ પણ સમાન રાહત આપવામાં આવી હતી અને આ પહેલાં 13 એપ્રિલે સુપ્રીમ કોર્ટએ અન્ય એક અરજદાર ને પણ એપિલેટ ટ્રિબ્યુનલ સમક્ષ આઉટ-ઓફ-ટર્ન સુનાવણી માંગવાની છૂટ આપી હતી. સમાન પ્રકારની રાહત મેળવવા માટે હાલની અરજદાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.
કેસની વિગતો : આ મામલો Monowara Khatun vs Election Commission of India & Others (W.P.(C) No. 496/2026) તરીકે નોંધાયો છે. અરજી એડવોકેટ-ઓન-રેકોર્ડ રંજિતા રોહતગી મારફતે દાખલ કરવામાં આવી હતી.
મતદાર યાદી સુધારણા પ્રક્રિયા પર નજર : આ કેસ પશ્ચિમ બંગાળમાં Special Intensive Revision (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામ કાઢવાની કાર્યવાહી અંગે ઉઠેલા પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ હસ્તક્ષેપ હવે ટ્રિબ્યુનલ સ્તરે ઝડપી સુનાવણીનો માર્ગ મોકળો કરી શકે છે.