સ્કંદ પુરાણમાં મળે છે ઉલ્લેખ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. કેદારનાથનું નામ કેવી રીતે પડ્યું તેની પાછળ પૌરાણિક ગ્રંથોમાં અનેક કથાઓ મળે છે, પરંતુ સ્કંદ પુરાણમાં દર્શાવાયેલી એક વિશેષ કથા અનુસાર આ નામનો સંબંધ પાંડવો કરતાં પણ વધુ પ્રાચીન ઋષિઓ સાથે જોડાયેલો છે.
સ્કંદ પુરાણ મુજબ સત્યયુગમાં ભગવાન વિષ્ણુએ નર અને નારાયણ ઋષિના સ્વરૂપમાં હિમાલય વિસ્તારમાં કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને વર્દાન માંગવા કહ્યું. ત્યારે નર-નારાયણ ઋષિઓએ ભગવાન શિવને આ પવિત્ર સ્થાને સદાય નિવાસ કરવા વિનંતી કરી. ત્યારબાદ ભગવાન શિવ અહીં સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા અને આ સ્થાન ‘કેદારનાથ’ તરીકે પ્રસિદ્ધ થયું.
પૌરાણિક માન્યતા મુજબ ‘કેદાર’ શબ્દનો અર્થ ક્ષેત્ર અથવા પવિત્ર ભૂમિ થાય છે અને ‘નાથ’નો અર્થ ભગવાન અથવા સ્વામી થાય છે. તેથી ‘કેદારનાથ’નો અર્થ થયો “ક્ષેત્રના સ્વામી ભગવાન શિવ”. કેટલાક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે અહીંથી ભગવાન શિવે પોતાની જટાઓમાંથી ગંગાજળ વહાવ્યું હતું, જેના કારણે આ સ્થાન અત્યંત પવિત્ર માનવામાં આવે છે.
દ્વાપર યુગ સાથે જોડાયેલી બીજી લોકપ્રિય કથા પાંડવોની છે. મહાભારત યુદ્ધ બાદ પાંડવો પોતાના પાપોથી મુક્તિ મેળવવા ભગવાન શિવની શોધમાં અહીં પહોંચ્યા હતા. કહેવાય છે કે ભગવાન શિવએ તેમને બળદના સ્વરૂપમાં દર્શન આપ્યા અને ત્યારબાદ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. બાદમાં પાંડવોના વંશજોએ મંદિરની સ્થાપના કરી હોવાનું પણ માનવામાં આવે છે.
ઈતિહાસકારોના જણાવ્યા મુજબ આ પ્રદેશનું પ્રાચીન નામ ‘કેદારખંડ’ હતું અને ભગવાન શિવને આ સમગ્ર પ્રદેશના સ્વામી તરીકે પૂજવામાં આવતા હોવાથી આ સ્થાનનું નામ ‘કેદારનાથ’ પડ્યું. આજના સમયમાં કેદારનાથ ધામ ચાર ધામ યાત્રા અને પંચકેદારમાં સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કેદારનાથની યાત્રા કરવાથી ભક્તોને પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર ધામના દર્શન કરવા પહોંચે છે.