Business

નાસિક TCS અને કોર્પોરેટ કલ્ચરની ગંદકીજ્યારે વાડ ચીભડાં ગળે ત્યારે સુરક્ષાની અપેક્ષા કેટલી યોગ્ય?

અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકો વચ્ચે, ઘરથી દૂર, ટિફીનનું ઠંડુ ખાવાનું ખાઈને, ઘરના કામ જાતે કરીને, ભાડાના ઘરની બારીમાંથી બહાર જોઈને ભવિષ્યના સપના ઘડનારાઓની સંખ્યા મોટી છે. આ કરવું કોઈને ય માટે સહેલું નથી હોતું. હવે દો ટાયર ટુ નહીં પણ નાના ગામડાંઓમાંથી પણ જુવાનિયાઓ કારકીર્દી માટે બીજા શહેરોમાં રહેવા જાય છે. છોકરીઓનું ઘરથી દૂર રહીને કામ કરવું બહુ સામાન્ય થઈ ગયું છે પણ જે વાત સામાન્ય બની ગઈ છે તે હજી પણ સહેલી તો નથી જ.
હમણાં TCSના નાસિક BPOનો કિસ્સો બહુ ચગ્યો છે. નોકરી કરવા માટે નાસિક આવેલી યુવતીઓએ ત્રણથી ચાર વર્ષમાં જે સંજોગોનો સામનો કર્યો એ વ્યાકુળ કરી દે તેવા છે. આઠ યુવતીઓએ કુલ નવ FIR કરી છે. પોલીસને ચોપડે નોંધાયેલી આ ફરિયાદો હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસનો ભાગ છે. આ છોકરીઓએ જુલાઈ 2022થી માર્ચ 2026 દરમિયાન શું શું વેઠ્યું? તેમની સાથે કામ કરનારા કર્મચારીઓએ આ હિન્દુ છોકરીઓને બીફ ખાવા દબાણ કર્યું, ઑફિસના રૂફટોપ પર લઈ જઈ તેમનો ફોન છીનવી લેવાયો, નાઈટ શિફ્ટમાં કામ કરતી વખતે પ્રમોશનની વાત કરી, ગંદા પ્રસ્તાવ સ્વીકારવા કહ્યું, ધર્માંતરણની વાત પણ કરી. આ દરેક બાબતોનું દસ્તાવેજીકરણ થયું.
આ છોકરીઓ મહારાષ્ટ્ર પોલીસના એક વિશેષ સ્ટિંગ ઑપરેશનનો હિસ્સો હતી. તેમને યોજનાબદ્ધ રીતે તાલીમ આપીને પોલીસે અંડરકવર ઑપરેશન માટે સમયાંતરે TCSમાં નોકરી મળે તેવી વ્યવસ્થા કરી હતી. તેમનું કામ હતું અહીં ચાલી રહેલી ગંદકીને ઉઘાડી પાડવાનું. BPO ફેસિલીટીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અશ્વીની ચૈનાની, જે પોતે આ કૉર્પોરેટના POSH કમિટીના સિટીંગ મેમ્બર હતા. તેમના સહિત HR હેડ નિદાખાન સાથે સાત જણાની ધરપકડ કરાઈ છે. HR હેડે પર આરોપ હતા કે તેની પાસે જેટલી વાર ફરિયાદ કરાઈ એટલી વાર તેણે મામલો દબાવી દીધો અથવા વાત ઉડાડી દીધી. તેણે વાત કોઈ બીજી જવાબદાર વ્યક્તિ સુધી ન પહોંચે તેની પુરી તકેદારી રાખી. HR હેડ આખી તપાસમાં સૌથી મોટી ગુનેગાર અને મુખ્ય આરોપી મનાય છે. TCSએ આખી ઘટના અંગે ઝડપી અને એકદમ કોર્પોરેટ જેવો જ પ્રતિસાદ આપ્યો. સસ્પેન્શન, COO લીડરશીપની તપાસ, યુનિટ માટે વર્ક ફ્રોમ હોમ અને ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટનાઓ “ખૂબ જ ચિંતાજનક” છેનું નિવેદન આપ્યું. આ પ્રતિભાવ જવાબદારી ભર્યો છે પણ તેમાં નક્કરતા કેટલી છે તે વખત આવ્યે જ ખબર પડશે. એ મહિલા પોલીસ અધિકારીઓને દાદ આપવી પડે જેમણે આ અંડરકવર ઑપરેશન કર્યું.
ધર્માંતરણ, લવ જિહાદ, હિન્દુ મુસલમાન વૈમનસ્ય જેવી અનેક બાબતો આ ઘટનાની આસપાસ ચર્ચાઈ રહી છે. એક તરફ આવા અવાજ છે તો બીજી તરફ આ બધું અન્ય ધર્મના લોકોને નીચા દેખાડવા માટે કરાયું હોવાનો એજન્ડા છે એવો અવાજ છે. બેથી વધુ દાયકાથી કૉર્પોરેટ્સમાં કામનો અનુવભવ હોવાને નાતે એક સ્ત્રી તરીકે મને આ આખી ઘટનામાં ધર્મોના મામલાને બદલે (જે છે એ દેખાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. બિનસાંપ્રદાયિકતા ‘એક તરફા પ્યાર’ ન હોઈ શકે એ પણ એક હકીકત છે) એક સંસ્થાકીય માળખામાં બંદીની માફક ઘર કરી ગયેલી સમસ્યા સૌથી પહેલા દેખાય છે. આપણે નાસિકની ઘટનાને કેન્દ્રમાં રાખી કોર્પોરેટ્સમાં થતી જાતીય સતામણીની વાત કરીએ. 2013માં POSH અધિનિયમ લાગુ પડ્યા પછી NSEમાં સૂચિબંધ 300 કંપનીઓમાં ફરિયાદોમાં 970% વધારો થયો છે. FY14માં 161 કેસથી વધીને FY25માં 1,729 કેસ સુધી. દર વર્ષે 18થી 20% કેસ નિર્ણય વિનાના રહે છે. 2026ના LinkedIn સર્વે મુજબ 5,000થી વધુ કોર્પોરેટ મહિલાઓમાંથી 70% એ છેલ્લા 12 મહિનામાં હેરાસમેન્ટનો અનુભવ કર્યો હતો. ત્રણમાંથી એકે ફરિયાદ નોંધાવી નહોતી. ફરિયાદ ન નોંધાવાની વાતના કારણો પણ એક સરખા છે. બદલો લેવાની ભીતિ, વિશ્વાસનો અભાવ અને એવી મહિલાઓ પણ જે ચૂપકીદી પસંદ કરે છે કારણ કે તેમને ન્યાયની નહીં નોકરીની જરૂર છે. આપણે ત્યાં મહિલાઓની સાથે થતી છેડતી કે ગલીચ વહેવાર એટલાં સામાન્ય બની ગયાં છે કે પુરુષો તો બેશરમ બની જ ગયા છે. સ્ત્રીઓ પણ મનમાં એ માનસિકતા સાથે જ જીવે છે કે તેમની સાથે આવું થઈ શકે છે. કોઈ ઘટના ઘટે ત્યારે અથવા તો તે પછી તે અંગે શું પ્રતિભાવ આપવો એ દરેક મહિલા પોતાના સંજોગો, માનસિકતા અને સમજને આધારે નક્કી કરતી હોય છે. કોઈ સ્ત્રીને પોતાની સાથે કંઇ પણ અણછાજતું થાય તો ગમતું હોય છે એવું નથી, પછી તે રસ્તાની કોરે રહેનારી લાચાર મહિલા હોય કે કોર્પોરેટમાં ઉચ્ચ પદે કામ કરનારી મહિલા હોય, તે સિગ્નલ પર ફૂલ વેચનારી યુવતી હોય કે પપ્પાની કાર લઈને કૉલેજમાં જતી છોકરી હોય. અહીં પ્રિવિલેજ, પસંદગી, પોતે બનાવેલી મર્યાદાઓ બધું જ ગણતરીમાં લેવું પડે જ્યારે આપણે પ્રતિક્રિયાની વાત કરીએ ત્યારે.
POSH અધિનિયમ 1997ની વિશાખા માર્ગદર્શિકા પરથી બનાવવામાં આવ્યો હતો. લગભગ ત્રણ દાયકા પછી પણ, POSHની આંતરિક સમિતિઓ ઘણી વખત અર્ધ ન્યાયિક તાલીમ વગરની હોય છે, જેમાં આરોપી સાથે જમતા લોકોનો સમાવેશ થાય છે અને એવી સંસ્થાઓમાં કાર્ય કરે છે જ્યાં ગોપનીયતા, જે કાયદાનું મુખ્ય સુરક્ષા તત્વ છે, તે જ કોરિડોરની ચર્ચાઓમાં સૌથી પહેલાં ભાંગી જાય છે. કોઈએક POSHમાં ફરિયાદ કરી એટલે ફરિયાદને સંબોધવી પછીની વાત છે પણ એ માહિતી ગલગલિયાં કરાવી શકે છે કે કેમ એની ચર્ચાઓ છેડાય છે. કોની સામે ફરિયાદ થઈ છે તેના કરતા લોકોને વધુ રસ કોણે ફરિયાદ કરી છે એમાં હોય છે. નાસિકમાં આ નિષ્ફળતા સ્પષ્ટ થાય છે ICમાં રહેલા AGMની ધરપકડ થઈ. ફરિયાદોની વ્યવસ્થા સંભાળનાર HR હેડ હવે મુખ્ય આરોપી છે. આ સંસ્થા અચાનક જ નિષ્ફળ ગઈ નહોતી. અહીં વાડ જ ચીભડાં ગળેનો ઘાટ હતો.
નાસિક ધરપકડની ખબર રાષ્ટ્રીય સ્તરે ફેલાઈ તે પહેલાં જ એક અઠવાડિયા પહેલા બોમ્બે હાઈ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એક પુરુષ ઑફિસ સમય દરમિયાન મહિલા સહકર્મચારીના છાતી તરફ જોઈ રહ્યો હતો. ન્યાયમૂર્તિ અમિત બોરકરે IPC કલમ 354C હેઠળના વોયરિઝમના આરોપને એમ કહીને રદ કર્યો ઓપન-ઑફિસમાં “વ્યક્તિગત ગોપનીયતા”ની અપેક્ષા યોગ્ય નથી. આમ કોઈના શરીરને જોવું એ નૈતિક રીતે અસ્વીકાર્ય છે એમ કોર્ટે સ્વીકાર્યું પણ કાયદાની દ્રષ્ટિએ કશો જ ફેર ન પડ્યો. મોટા ભાગના કોર્પોરેટ જાતીય સતામણીના કેસિઝ નોંધાયેલા છે, તેમાં આરોપીના નામો છે, કેસ બરાબર જોવામાં ય આવ્યા છે પણ કોઈ દંડ નથી થયો.
નાસિકને મામલે યુવતીઓએ ‘કંઇ પગલું ન લેવાયું’ વાળી સ્થિતિ વેઠવી ન પડે તો સારું. અહીં માત્ર શરીરને ધારી ધારીને જોવાની વાત નથી પણ બળાત્કાર, દબાણ અને ધાર્મિક દબાણનો વ્યાવસાયિક લાભ માટે ઉપયોગ પણ સામેલ છે. અત્યારનો કાયદો અમુક પ્રકારના વહેવારને ઓવરઓલ ગુનો ગણે છે કે પછી વ્યક્તિગત ઘટનાઓને દંડિત કરવાનું નક્કી કરે છે તે જોવું રહ્યું. SIT હાલમાં 78 ઈ-મેઈલ અને ચેટ રેકોર્ડ્સની તપાસ કરી રહી છે તેના આધારે કોને શું ખબર હતી, ક્યારથી ખબર હતી જેવી બાબતો બહાર આવશે જે આરોપો કરતાં વધુ મહત્ત્વની બની શકે છે.
રાજકીય પ્રતિસાદ ધાર્યા પ્રમાણેનો રહ્યો છે. BJPના અવાજોએ “કોર્પોરેટ જિહાદ” શબ્દનો ઉપયોગ કર્યો છે, આરોપીઓમાં મુસ્લિમ બહુમતી અને ધર્મ પરિવર્તનના સંકેતોને ષડયંત્ર તરીકે રજૂ કરાયું છે. ડાબેરી ટિપ્પણીઓએ આ ઘટનાને ટોક્સિક મેસ્ક્યુનાલિટીના સામાન્ય આક્ષેપમાં સમાવી દીધી છે, જેમાં આરોપીઓની ઓળખ અને ધાર્મિક દબાણને અવગણવામાં આવે છે. બંને દૃષ્ટિકોણ આ ઘટનાના કેન્દ્ર સમી મહિલાઓની કિંમતે પોતાની જાતને બચાવે છે. જમણેરીઓનો અભિગમ આરોપીઓથી આખા સમુદાય સુધી વિસ્તરે છે જે SITના પુરાવાથી સમર્થિત નથી અને તપાસમાં હજુ સુધી કોઈ સંગઠિત બાહ્ય ષડયંત્રના પુરાવા મળ્યા નથી. ડાબેરી અભિગમ અલગ પ્રકારની અવગણના કરે છે. તે જે થયું તેને નામ આપવાથી બચે છે, કારણ કે તે તેમને રાજકીય રીતે કઠે છે.

બંનેમાંથી કોઈપણ અભિગમ એ મહિલાઓને કામ નથી લાગવાનો જેમને અપ્રેઝલ માટે રોજા રાખવાનું કહેવામાં આવ્યું હતું. નાસિકમાં જે થયું તેની હકીકતોની તપાસ કરી બરાબર દંડ ફટકારવો જોઈએ, એમાં કોઈનાય રાજકીય ચશ્માની જરૂર નથી. બંન્ને વિચારધારાઓ માટે પોતાની ધૂન અગત્યની છે નવ FIR નોંધાવેલી મહિલાઓ નહીં. આપણો દેશ, આપણી માનસિકતા અહીં જ ગોથું ખાય છે.
ધર્મને નામે ફેલાવાતી ગંદકી મોટો પ્રશ્ન છે જ, અપરેઝલ માટે રોજા રાખવા કહેવું કે ક્રિસમસમાં બાળમંદિરમાં સાન્તા ક્લૉઝ બનીને ગયેલાં બાળકો જોઈને ત્યાં ધમાલ કરી દેવી કે હનુમાન જયંતી નિમિત્તે મસ્જીદની બહાર જઈને હનુમાન ચાલીસા વગાડવી કે પછી બીફ ખાવાનું દબાણ કરવું, બધું જ ખોટું છે. પણ TCSની ઘટના કોરર્પોરેટના ટોક્સિક ઉકરડાની એક ઝલક માત્ર છે એવું યાદ રાખવું પણ જરૂરી છે. એવું ઘણું ય થાય છે જે ક્યારેય બહાર નથી આવતું. નાસિક ઘટનામાં અંડરકવર કામ કરનારી આ યુવતીઓના પ્રયત્નો એળે ન જાય તે જોવાની ફરજ આપણી સિસ્ટમની છે, આપણા તંત્રની છે.

Most Popular

To Top