Business

એનટીએ દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ

વિષયોમાં ફેરફાર માટે તક અપાઈ 19 એપ્રિલ સુધી વિન્ડો ખુલ્લી રહેશે

ફી ભરેલા ઉમેદવારો માટે જ અપડેટ કરવાની મંજૂરી, એકવાર વિન્ડો બંધ થયા બાદ તક નહીં મળે

( પ્રતિનિધિ )વડોદરા,તા.19

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોમન યુનિવર્સીટી એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી) 2026 અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર, અગાઉ અરજી કરનાર અને ફી ભરનાર ઉમેદવારોને પોતાના પસંદ કરેલા વિષયો સુધારવા માટે ખાસ તક આપવામાં આવી છે.

17 એપ્રિલથી 19 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન વિન્ડો ખુલ્લી રાખવામાં આવી છે. આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને રાહત મળશે. ખાસ કરીને તેમને જેઓએ અગાઉ વિષય પસંદગીમાં ભૂલ કરી હતી, અથવા તેમના અભ્યાસક્રમ અનુસાર ફેરફાર કરવાની જરૂર હતી. અરજી પ્રક્રિયા પહેલા 3 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ચાલુ હતી. જેમાં ફી ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. ત્યારબાદ ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને નોંધણીની સમયમર્યાદા 4 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી હતી અને ફી ભરવાની સુવિધા 7 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રખાઈ હતી. વળી 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન ફરીથી નોંધણી વિન્ડો ખોલવામાં આવી હતી. હવે, અનેક ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતોને આધારે એનટીએ એ વિષયોમાં સુધારા માટે આ વિશેષ તક આપી છે. એનટીએ એ વધુમાં જણાવ્યું છે કે, ઉમેદવારો નિયમિત રીતે સત્તાવાર વેબસાઈટ પર જઈને નવીનતમ અપડેટ્સ ચકાસતા રહે. કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે એનટીએ હેલ્પડેસ્કનો સંપર્ક કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એનટીએ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પરીક્ષા 11 મેથી 31 મે 2026 દરમિયાન દેશ-વિદેશના વિવિધ કેન્દ્રોમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા દેશની વિવિધ યુનિવર્સિટી ઓમાં પ્રવેશ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.

મુખ્ય શરતો શું છે?

1.માત્ર ફી ભરેલા ઉમેદવારો: આ સુવિધા માત્ર તે ઉમેદવારો માટે જ છે જેઓએ સફળતાપૂર્વક નોંધણી પૂર્ણ કરી છે અને પરીક્ષા ફી ચૂકવી દીધી છે.
2.છેલ્લી તક: આ માટે 19 એપ્રિલના રોજ રાતના 11.50 વાગ્યા સુધી વિન્ડો ખુલ્લી રહેશે.
3.અંતિમ તક: એનટીએ એ સ્પષ્ટ કર્યું છે કે આ એક ખાસ અને અંતિમ તક છે. એકવાર આ વિન્ડો બંધ થયા બાદ વધુ કોઈ ફેરફાર કરવાની મંજૂરી મળશે નહીં.

Most Popular

To Top