World

હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનો ડેમેજ કંટ્રોલ શરૂ, ઈરાને કહ્યું ગેરસમજ જલ્દી ઉકેલાશે

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર થયેલા ફાયરિંગ બાદ ભારત અને ઈરાન વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. ‘જગ અર્ણવ’ અને ‘સનમાર હેરાલ્ડ’ નામના બે ભારતીય ટેન્કરો પર ગોળીબાર થતાં દિલ્હીમાં તાત્કાલિક પ્રતિક્રિયા જોવા મળી. ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત ડો. મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવીને કડક વિરોધ નોંધાવ્યો છે અને જહાજો તથા ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના બાદ ઈરાન તરફથી ‘ડેમેજ કંટ્રોલ’ કરવાનો પ્રયાસ જોવા મળ્યો છે. હૈદરાબાદમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ કહ્યું કે તેમને આવી કોઈ ફાયરિંગની સત્તાવાર માહિતી નથી. તેમણે ભારત અને ઈરાન વચ્ચેના 5000 વર્ષ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરતા જણાવ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત મિત્રતા છે અને ઈરાન હંમેશા શાંતિમાં વિશ્વાસ રાખે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ ગૂંચવણ જલ્દી ઉકેલાઈ જશે. ભારતે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ સચિવે ઈરાનના રાજદૂત સાથે બેઠકમાં સ્પષ્ટ કહ્યું કે અગાઉ ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવાની ખાતરી આપી હતી, તેથી તેનો પાલન કરવું જરૂરી છે. ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં માલવાહક જહાજોની અવરજવર તાત્કાલિક સામાન્ય કરવાની માંગ પણ કરી છે.

હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશની લગભગ 90 ટકા ગેસ આયાત અને મોટો તેલ પુરવઠો આ માર્ગથી આવે છે. શનિવારે બનેલી આ ઘટનામાં ઈરાની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો પર ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. આ કારણે બંને જહાજોને માર્ગ બદલીને પાછા ફરવું પડ્યું હતું. આ જહાજોમાંથી એક ‘વેરી લાર્જ ક્રૂડ કેરિયર’ (VLCC) હતું, જેમાં અંદાજે 20 લાખ બેરલ તેલ ભરેલું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજોને પણ મોટું નુકસાન થયું નથી. તેમ છતાં, આ ઘટના ભારત માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. આવી ઘટનાઓ વેપાર અને ઊર્જા સુરક્ષા માટે જોખમ ઉભું કરે છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના જહાજો અને નાગરિકોની સુરક્ષા માટે કોઈ સમજૂતી નહીં કરે. હાલ બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે વાતચીત ચાલી રહી છે અને પરિસ્થિતિને શાંત કરવાની કોશિશ થઈ રહી છે.

Most Popular

To Top