IPL 2026ની 25મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોરદાર મુકાબલો ચાલી રહ્યો છે. મેચની શરૂઆતથી જ કોલકાતા માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે, કારણ કે ટીમે માત્ર બે ઓવરમાં જ બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન અજિંક્ય રહાણે બાદ અંગક્રિશ રઘુવંશી પણ આઉટ થતાં KKR પર શરૂઆતથી જ દબાણ વધી ગયું છે. મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે પ્લેઇંગ-11માં એક ફેરફાર કરતા ફિલ એલનની જગ્યાએ ટિમ સીફર્ટને તક આપી હતી. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહોતો અને તે જ સંયોજન સાથે મેદાનમાં ઉતર્યું છે.
મેચની શરૂઆતમાં ટિમ સીફર્ટે મોહમ્મદ સિરાજના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને સારો આરંભ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજા છેડે સતત વિકેટો પડતા ટીમનો મોમેન્ટમ તૂટી ગયો. KKRની આ ખરાબ શરૂઆત તેના આ સીઝનના પ્રદર્શનને પણ પ્રતિબિંબિત કરે છે, જ્યાં ટીમ હજુ સુધી એક પણ જીત મેળવી શકી નથી. 5 મેચમાં 4 હાર અને 1 મેચ વરસાદને કારણે રદ રહી છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ આ મેચમાં આત્મવિશ્વાસ સાથે ઉતરી છે. ટીમે તેની છેલ્લી બે મેચોમાં દિલ્હી અને લખનઉ સામે જીત મેળવી છે અને હવે આ મેચ જીતીને જીતની હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરી રહી છે. બેટિંગમાં જોસ બટલર શાનદાર ફોર્મમાં છે, જેમણે અત્યાર સુધી 4 મેચમાં 176 રન બનાવ્યા છે અને 2 અડધી સદી નોંધાવી છે. બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ પણ અસરકારક પ્રદર્શન કરતાં 10 વિકેટ ઝડપી છે.
પાછલી મેચની વાત કરીએ તો IPLમાં GT અને KKR વચ્ચે અત્યાર સુધી 4 મુકાબલા થયા છે, જેમાંથી ગુજરાતે 3 જીત્યા છે, જ્યારે કોલકાતા માત્ર 1 મેચ જીતી શક્યું છે. આ આંકડાઓ પણ ગુજરાતના પલડાને ભારે બતાવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે, જ્યાં બાઉન્સ અને પેસ સારો મળે છે. આ સીઝનમાં અહીં રમાયેલી મેચમાં 200થી વધુ રનનો સ્કોર બન્યો હતો, જે દર્શાવે છે કે બેટર્સ માટે અહીં મોટી ઇનિંગ્સ રમવાની તક રહે છે. હાલ મેચની સ્થિતિ જોતા ગુજરાત ટાઇટન્સ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે, જ્યારે કોલકાતા માટે આ મેચમાં પાછું વળવું પડકારજનક બની શકે છે. હવે જોવું રહ્યું કે KKR દબાણમાંથી બહાર આવી શકશે કે નહીં.