હોટેલ સ્ટાફની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
ફાયર ટીમ પહોંચે તે પહેલા જ ફાયર એક્ટીન્ગ્યુસરથી આગ કાબૂમાં
વડોદરા, તા. 16
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ક્લિક હોટેલમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં વીજ વાયરો સળગી ઊઠ્યા હતા અને ધુમાડો ફેલાતા હોટેલમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે હોટેલ સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સયાજીગંજ વિસ્તારમાં બીબીસી ટાવર નજીક આવેલી ક્લિક હોટેલના વીજ મીટરમાં અચાનક સ્પાર્ક થતાં આગ લાગી હતી. ધુમાડો નીકળતા જ હોટેલનો સ્ટાફ તરત જ સ્થળ પર દોડી આવ્યો હતો અને ફાયર એક્ટીન્ગ્યુસરની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

બનાવની જાણ થતા બદામડી બાગ ફાયર સ્ટેશનની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, પરંતુ તે પહેલાં જ આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી નુકસાની થઈ નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધતી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગત રોજ ગોત્રી વિસ્તારના એટ્રીયા કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બાદ સયાજીગંજમાં આ બનાવ સામે આવતા લોકોમાં ચિંતા વ્યાપી છે.