Gujarat

અમદાવાદના ચાંદખેડાના ઢોસાકાંડમાં હજુ પણ રહસ્ય અકબંધ

અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરામાંથી બનાવેલા ઢોસા ખાવાથી એક જ પરિવારની બે બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં 4 વર્ષની મિસરી અને અઢી મહિનાની રાહાનું મોત થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાને દસ દિવસ જેટલો સમય થવા આવ્યો છે છતા હજુ સુધી પણ રહસ્ય અકબંધ છે. હાલ સમગ્ર મામલે એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

બીજી બાજુ આ ઘટનાને લઈ ઉભા થઈ રહેલા અનેક પ્રશ્નોના ઉકેલ માટે પોલીસએ બાળકીઓના પિતા બાદ હવે માતા ભાવનાની પણ વિગતવાર પૂછપરછ કરવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ માતાને સીધા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જ્યા મોડી રાત તેની પુછપરછ કરવામાં આવી છે. માતા-પિતાએ એકસરખું નિવેદન આપ્યું છે કે ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારની તબિયત બગડી હતી. વધુ તપાસ માટે પોલસે જ્યાંથી ખીરૂ ખરીદવામાં આવ્યું હતું તે ઘનશ્યામ ડેરીના બે કર્મચારીઓની પણ પુછપરછ કરી વિગતો મેળવી છે. આ ઉપરાંત પોલીસે ડેરીમાંથી અન્ય લોકોએ પણ ખીરૂ ખરીદ્યું હતુ, તેવા લોકોને પણ પુછપરછ શરૂ કરી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે. મકવાણાના જણાવ્યા મુજબ, “હાલ તપાસ ચાલુ છે. પોલીસ તમામ સંભવિત પાસઓ પરથી તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈ જોકે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. તમામ રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.” પોલીસે બાળકીના મૃત્યુ પહેલા અને પછી આપવામાં આવેલી સારવાર સંબંધિત તમામ ડોક્ટરી ફાઇલ અને રિપોર્ટ મંગાવ્યા છે. આ તમામ દસ્તાવેજોને હવે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા તમામ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવશે. સારવાર દરમિયાન કોઈ બેદરકારી કે ભૂલ થઈ હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. જરૂર પડે મૃતક બાળકીના માતાએ જે હોસ્પીટલમાં સારવાર લીધી છે, તે હોસ્પીટલના સ્ટાફની પણ પુછપરછ કરવામાં આવશે.

હાલમાં પોલીસ એફએસએલ, પોસ્ટમોર્ટમ (PM) અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. પ્રાથમિક પૂછપરછમાં કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. એફએસએલ રિપોર્ટ આવવા માટે હજુ ૨-૩ દિવસ લાગી શકે છે. જો તમામ રિપોર્ટ અને પૂછપરછ બાદ પણ કોઈ કારણ સામે નહીં આવે, તો પરિવારના સભ્યોનો લાઈવ ડિટેક્શન ટેસ્ટ (પોલિગ્રાફ ટેસ્ટ) કરાવવામાં આવી શકે છે. આ ઉપરાંત ખીરું અખાદ્ય બનવાનું કારણ અને 1થી 3 તારીખ દરમિયાન પરિવાર દ્વારા લેવાયેલા અન્ય ખોરાકની પણ તપાસ થશે. સમગ્ર કેસમાં સત્ય હકીકત હવે રિપોર્ટ્સ પર જ આધાર છે.

Most Popular

To Top