પરિવાર તરફથી તબિયત અંગે મહત્વપૂર્ણ માહિતી
ભારતીય સંગીત જગતની દંતકથા ગણાતી પ્રખ્યાત ગાયિકા આશા ભોસલે ને તાજેતરમાં મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા અને કેટલીક અહેવાલોમાં હાર્ટ એટેકની અટકળો સામે આવી હતી, પરંતુ પરિવાર તરફથી આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ તેમને ભારે થાક અને છાતીમાં ઈન્ફેક્શનની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ડૉક્ટરોની નજીકની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલુ છે.
આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલેએ સોશિયલ મીડિયા મારફતે માહિતી આપી હતી કે આશા તાઈ છેલ્લા કેટલાક દિવસોથી વધુ થાક અનુભવતા હતા અને ત્યારબાદ ચેસ્ટ ઈન્ફેક્શનના લક્ષણો દેખાતા તેમને સાવચેતીરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે અને પરિવાર તરફથી જણાવાયું છે કે હાલ તેમની તબિયત સ્થિર છે.
હાર્ટ એટેક અંગે ફેલાયેલી અટકળો અંગે પણ પરિવારજનોએ સ્પષ્ટતા કરી છે કે એવી કોઈ ગંભીર સ્થિતિ નથી. આ સમાચાર બહાર આવતા ચાહકોને થોડી રાહત મળી છે. તેમ છતાં, ઉંમરને ધ્યાનમાં રાખીને ડૉક્ટરો દ્વારા સંપૂર્ણ ચેકઅપ અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
હાલ આશા ભોસલે હોસ્પિટલમાં આરામ પર છે અને પરિવારના સભ્યો સતત તેમની સાથે હાજર છે. વધુમાં પરિવારજનોએ ચાહકોને અફવાઓથી દૂર રહેવાની અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. આશા ભોસલેનું સંગીત ક્ષેત્રે યોગદાન અદ્વિતીય રહ્યું છે.
છેલ્લા સાત દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે હજારો સુપરહિટ ગીતો ગાઈને ભારતીય ફિલ્મ સંગીતને નવી ઓળખ આપી છે. તેમની અવાજ આજે પણ લાખો ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. તેમની તબિયત અંગેના સમાચાર સામે આવતા દેશભરમાંથી ચાહકો અને સંગીતપ્રેમીઓ તેમની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.