આદિવાસી અને લઘુમતી અધિકારોની ચિંતા “
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) બિલને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલ સામે આકરા પ્રહાર કરતા તેને ‘ગેરબંધારણીય’ ગણાવ્યું છે. ઓવૈસીએ આક્ષેપ કર્યો છે કે આ બિલ દ્વારા ખાસ કરીને મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને વ્યક્તિગત અધિકારો પર તરાપ મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બંધારણના ભંગનો આક્ષેપ : નેશનલ હેરાલ્ડના અહેવાલ મુજબ, ઓવૈસીએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણની કલમ ૨૫ દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની અને તે મુજબ જીવવાની સ્વતંત્રતા આપે છે. ગુજરાત સરકારનું આ પગલું બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. તેમણે દલીલ કરી હતી કે ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં દરેક સમુદાયના પોતાના પર્સનલ લો (વ્યક્તિગત કાયદા) છે, જેને નાબૂદ કરવા તે દેશની લોકશાહી ભાવનાની વિરુદ્ધ છે.
“માત્ર વોટબેંકની રાજનીતિ” : ઓવૈસીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે ધ્રુવીકરણ કરવા માટે આવા કાયદાઓ લાવવામાં આવે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું UCC થી મોંઘવારી, બેરોજગારી અને ગરીબી જેવા વાસ્તવિક પ્રશ્નો ઉકેલાઈ જશે? ઓવૈસીના મતે, આ બિલ માત્ર મુસ્લિમ પર્સનલ લોને નિશાન બનાવવા અને બહુમતી મતોના તુષ્ટિકરણ માટે લાવવામાં આવ્યું છે.
“મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન અને ગેરબંધારણીય પગલું: માત્ર મુસ્લિમો જ નહીં, પરંતુ ઓવૈસીએ આદિવાસી સમુદાયોની પરંપરાઓ પર પણ ખતરો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારતના અનેક આદિવાસી વિસ્તારોમાં પોતાની આગવી રૂઢિચુસ્ત પરંપરાઓ છે, જે UCC ના અમલથી જોખમમાં મુકાઈ શકે છે. લઘુમતી અધિકારોની રક્ષા માટે તેમણે તમામ વિરોધ પક્ષોને એકઠા થવા અપીલ કરી છે.
ભાજપનો પક્ષ : બીજી તરફ, ગુજરાત સરકાર અને ભાજપના નેતાઓનું કહેવું છે કે UCC એ લિંગ સમાનતા અને સામાજિક ન્યાય માટે જરૂરી છે. લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વિષયો પર તમામ ધર્મના લોકો માટે એકસમાન કાયદો હોવો જોઈએ તેવું સરકારનું વલણ છે.આ વિવાદ હવે આગામી દિવસોમાં કોર્ટના ઉંબરે પહોંચે તેવી પણ પૂરી શક્યતા છે, કારણ કે ઓવૈસીએ આ મામલે કાયદાકીય લડત આપવાના સંકેત આપ્યા છે.