માનવજીવનમાં એક-બીજાને મદદરૂપ થવાના અનેકાનેક સંજોગ-પ્રસંગની અવરજવર થતી રહે છે. બીજાએ કરેલી મહેરબાનીનો પાડ માનવો જોઈએ, આભારની લાગણી પ્રગટ કરવી એ શિષ્ટાચાર છે. વડીલોને માટે તો પૂજ્ય-ભાવ, માન જાળવવા સાથે સંભાળ પણ રાખવી જોઈએ. ગૃહસ્થીની સંપૂર્ણ જવાબદારી નિભાવનારનો પણ આભાર માનવો રહ્યો. પધારો મ્હારે ઘેર, તહેવારોમાં મહેમાન ઘરે આવે ત્યારે દિલથી આવકારીને તે પરત જાય ત્યારે આભાર માનવો જોઈએ. યજમાન, મહેમાન એકમેકનો આભાર માને તે પણ સારું છે. ઘરે આવનારને સત્કાર આપી, આદરમાન આપી સ્વાગત કરવું એ આપણી સંસ્કૃતિમાં છે. સત્કારમાં વિવેક પણ આવકાર્ય.
સન્માનની ભાવનાથી કરેલ આગતાસ્વાગતા, ભાવભરી પરોણાગત-આદર અતિથિ માટે કાયમી સંભારણું બની જાય છે. આજકાલ અલગ પરિસ્થિતિ જોવા મળે છે. અતિથિનું આગમન કોઈને ગમતું નથી. ઘરની વ્યવસ્થામાં ખલેલ થાય એવી માન્યતા પ્રવર્ત છે. આદરમાન દેખાડા માત્ર ઔપચારિક-ફોર્મેલિટી હોય છે. માત્ર કહેવા-દેખાડવા પૂરતું-સાચું નહિ, બનાવટી હોય છે. આવકાર પણ બનાવટી, ચહેરા પરનું હાસ્ય પણ નકલી. પ્રેમ, હેત, વ્હાલમાં ઘટાડો થયો છે. હા, સ્વજન હોય તો આભારની લાગણી વ્યક્ત ન કરીએ તો ચાલે પણ તેમના થકી, તેમની હાજરીથી જે આનંદ મળ્યો છે, તેની જાણ કરવી જોઈએ. ચાલો, અતિથિને માનથી સત્કારીએ તેમાં કોઈ બનાવટ નહીં પણ દિલસે વ્યવહાર કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.