Vadodara

શ્રીનાથદ્વારા ગિરિરાજ પર રામનવમી નિમિત્તે હનુમાનજી પ્રતિમાનું લોકાર્પણ

રામનવમીના પવિત્ર અવસરે શ્રીનાથદ્વારાના ગિરિરાજ પર્વત પર ચિ. શ્રી વિશાલબાવાના વરદ હસ્તે શ્રીજી કે હનુમાનજીની અષ્ટધાતુ પ્રતિમાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગ પીઠાધીશ્વર ગોસ્વામી તિલકાયતશ્રી રાકેશજી મહારાજની આજ્ઞા અને શ્રી વિશાલબાવાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

પ્રારંભે શ્રી વિશાલબાવા અને શ્રીમતી દીક્ષિતા વહુજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ-હવન કરી પૂર્ણાહુતિ આપવામાં આવી હતી. ત્યારબાદ હનુમાનજીના સ્વરૂપનો અભિષેક અને આરતી કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે પોતાના પ્રવચનમાં શ્રી વિશાલબાવાએ જણાવ્યું કે પુષ્ટિમાર્ગમાં હનુમાનજી બાળ સ્વરૂપ શ્રીજીના રક્ષક તરીકે માનવામાં આવે છે. તેમણે શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ અને શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ ગણાવી બંનેના એકત્વ પર ભાર મુક્યો હતો. સાથે જ હનુમાનજીનું પ્રકૃતિ અને પર્યાવરણ સાથેનું મહત્વપૂર્ણ જોડાણ પણ ઉજાગર કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ શ્રી રાકેશજી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ હનુમાનજી પ્રતિમાના મનોરથી ગિરીશભાઈ શાહ, વાસ્તુકાર નરેશ કુમાવત સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહોત્સવમાં શ્રીનાથજી મંદિરના પંડ્યાજીઓ, વહીવટી અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી.

Most Popular

To Top