આજના સમયમાં મોટા ભાગના લોકો પોતાની જિંદગીનો મોટો ભાગ પૈસા કમાવવામાં વ્યસ્ત રહે છે. સારું જીવન, સારી સુવિધાઓ અને સુરક્ષિત ભવિષ્ય માટે મહેનત કરવી ખોટી નથી, પરંતુ ઘણીવાર આ દોડમાં આપણે આપણા સૌથી કિંમતી સંબંધોને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. દિવસભરની ભાગદોડ, કામનો દબાણ અને જવાબદારીઓ વચ્ચે આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે હાલ કામ મહત્વનું છે, સંબંધો માટે સમય પછી કાઢી લેશું. પરંતુ સત્ય એ છે કે સમય ક્યારેય પાછો આવતો નથી. આજે જે ક્ષણો આપણા પાસે છે, એ જ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
પૈસા જીવનને સુવિધાજનક બનાવી શકે છે, પરંતુ સંબંધોમાં મળતો લાગણીનો સહારો અને શાંતિ કોઈ પણ સંપત્તિથી ખરીદી શકાતી નથી. જીવનના મુશ્કેલ સમયમાં પણ આપણી સાથે ઉભા રહેતા લોકો એ જ હોય છે, જેમને આપણે સમય અને સન્માન આપ્યું હોય છે। આ ભાગદોડભરી જિંદગીમાં ક્યારેક થોભીને વિચારવું જરૂરી છે કે આપણે આટલો સંઘર્ષ અંતે કોના માટે કરી રહ્યા છીએ. જો આપણા પોતાના જ લોકો આપણા સાથે થોડો સમય પસાર કરવા માટે તરસી જાય, તો આવી સફળતા અને કમાણીનો શું અર્થ રહે? એટલા માટે જરૂરી છે કે આપણે આપણા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય પોતાના પ્રિયજનો માટે જરૂર કાઢીએ. કારણ કે જીવનની સાચી સંપત્તિ પૈસા નહીં, પરંતુ પોતાના લોકો સાથે પસાર કરેલી અનમોલ ક્ષણો છે.
– પવનકુમાર ડી વિશ્વકર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે