આપણા સમાજમાં વ્યક્તિત્વ વિકાસના ભાગરૂપે નાનપણથી જ વિવિધ કહેવતોનો ઉપયોગ કરવાની પરંપરા રહી છે. આવી કહેવતો માત્ર ભાષાની શોભા વધારતી નથી, પરંતુ વ્યક્તિના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે આપણને સંજોગોને અનુરૂપ કેવી રીતે પોતાને ઢાળવું અને યોગ્ય નિર્ણય લેવું તે શીખવે છે. જીવનમાં આ કહેવતોનું પાલન કરવામાં આવે તો સંજોગો સાથે તાલમેલ સાધવો સરળ બને છે. આજના સમયમાં, ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે ગેસ, પેટ્રોલ અને ડિઝલ જેવી આવશ્યક વસ્તુઓની અછત ઊભી થવાની શક્યતા વધી રહી છે.
આવી પરિસ્થિતિમાં “સમય વર્તે સાવધાન”કહેવતનો સાર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.આ પડકારોને ઓછા કરવા માટે આપણે કેટલીક સરળ પરંતુ અસરકારક રીતો અપનાવી શકીએ:જેમકે વ્યક્તિગત વાહનોના ઉપયોગને મર્યાદિત કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા કારપૂલિંગનો ઉપયોગ કરવો.સોલાર કુકર અને સોલાર વોટર હીટર જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવું.ઇન્ડક્શન ચૂલા જેવા આધુનિક સાધનોનો ઉપયોગ વધારવો નજીકના અંતરે ચાલતા જવું અથવા સાયકલનો ઉપયોગ કરવો.શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અપનાવવું.
જ્યારે આપણે વર્લ્ડ કપ જેવી ઉજવણી માટે એકત્ર થઈ શકીએ છીએ, ત્યારે કટોકટીના સમયમાં જવાબદાર નાગરિક તરીકે થોડું યોગદાન આપવું આપણી ફરજ બને છે.આ રીતે, “સમય વર્તે સાવધાન”માત્ર એક કહેવત નથી, પરંતુ જીવન જીવવાની એક વ્યવહારૂ દિશા દર્શાવે છે. યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાથી આપણે વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે સંકટોને સફળતાપૂર્વક પહોંચી વળી શકીએ છીએ.
સુરત – સીમા પરીખ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે