દિલ્હીમાં થયેલી ચોરીમાં સીકલીગર ગેંગની સંડોવણી બહાર આવતાં તપાસનો વ્યાપ વધ્યો
એકતાનગર વિસ્તારથી મળેલા મોબાઈલ નંબરના આધારે વડોદરા કનેક્શન સામે આવ્યું
વડોદરા:
દિલ્હીમાં થયેલા ચોરીના ગુનાની તપાસ દરમિયાન મહત્વપૂર્ણ સૂત્રો મળતાં દિલ્હી પોલીસની ટીમે વડોદરામાં ધામા નાખ્યા હતા અને શહેરમાંથી બે શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં દિલ્હી ખાતે થયેલી ચોરીની ઘટનામાં સીકલીગર ગેંગની સંડોવણી બહાર આવતા પોલીસ તપાસનો વ્યાપ ગુજરાત સુધી વિસ્તર્યો હતો. તપાસ દરમિયાન મળેલા ટેક્નિકલ પુરાવા અને મોબાઈલ નંબરના આધારે તપાસ ટીમ વડોદરા પહોંચી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના એકતાનગર વિસ્તારમાં રહેતા સીકલીગર સમાજના વ્યક્તિઓ સાથે સંકળાયેલા કેટલાક મોબાઈલ નંબર મળી આવતા તેમની ભૂમિકા અંગે શંકા વ્યક્ત થઈ હતી. જેના આધારે દિલ્હી પોલીસની ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી કાર્યવાહી હાથ ધરી હતી.
હાલમાં બંને શંકાસ્પદ વ્યક્તિઓની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આ ચોરીના ગુનામાં અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ તેજ બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.