ગાંધીનગર : સુરત અને તાપી જિલ્લાઓમાં ગૌચર (ચરોતર) જમીનો પર લાંબા સમયથી દબાણ ચાલુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે અનેક ગામોમાં વર્ષોથી આ સમસ્યા યથાવત્ છે. સરકારે રજૂ કરેલી વિગતો પ્રમાણે તા. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ બંને જિલ્લાઓમાં અનેક તાલુકાઓના ગામોમાં ગૌચર જમીનો પર દબાણ નોંધાયા છે. સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકાના હજીરા અને મલગામામાં અનુક્રમે 49 અને 127 દબાણ છેલ્લા 4 વર્ષથી ચાલુ છે. કામરેજ તાલુકામાં 11 વર્ષ જૂના દબાણો નોંધાયા છે, જ્યારે માંગરોળ અને અરેઠ તાલુકામાં તો 12 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના દબાણો જોવા મળ્યા છે. બીજી તરફ, તાપી જિલ્લામાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. વ્યારા તાલુકાના અનેક ગામોમાં 40થી 60 વર્ષથી ગૌચર જમીન પર દબાણ યથાવત્ છે.
ઇન્દુ, જસિંગપુરા અને ડોલારા જેવા ગામોમાં દાયકાઓ જૂના દબાણો હજુ સુધી દૂર થયા નથી. કેટલીક જગ્યાએ 50 વર્ષથી વધુ સમયથી ગેરકાયદે કબજો ચાલુ હોવાની નોંધ લેવાઈ છે. સોનગઢ અને વાલોડ તાલુકામાં પણ દબાણના કિસ્સાઓ સામે આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગૌચર જમીનોના સંરક્ષણ અને ગેરકાયદે કબજાઓ દૂર કરવા માટે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.