પાર્કિંગમાં ઉભા રહેવાના મુદ્દે તકરાર બાદ મારામારી
ત્રણ શખ્સો દ્વારા હુમલો, વિદ્યાર્થીને ફ્રેક્ચર સહિત ગંભીર ઇજા
વડોદરા, તા. 20:
વડોદરા શહેરમાં મનીષા ચોકડી નજીક આવેલા જલધારા કોમ્પલેક્ષ ખાતે પાર્કિંગમાં ઉભા રહેવાના મુદ્દે થયેલી તકરાર બાદ કેટલાક શખ્સોએ એમ.એસ. યુનિવર્સિટીના બીએસસીના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, તાંદલજા વિસ્તારમાં રહેતા આફતાફહુસેન યુસુફભાઈ શેખ, જે એમ.એસ. યુનિવર્સિટીમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ ગત 18 માર્ચની રાત્રે પોતાના મિત્ર સાથે મનીષા ચોકડી નજીક જલધારા કોમ્પલેક્ષના પાર્કિંગમાં ઉભા રહી વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન ‘એક્સ્ટ્રા ઓર્ડીનરી’ નામની કપડાની દુકાનના માલિક ઉઝેર મેમણે તેમને ત્યાંથી હટી જવા જણાવ્યું હતું.
વિદ્યાર્થી ત્યાંથી નીકળી ગયા બાદ પોતાની બાઈક પાર્કિંગમાં હોવાથી ફરી પાછા આવ્યા હતા. તે સમયે તેમનો મિત્ર જાવેદ દુકાનમાં ખરીદી કરવા ગયો હતો અને આફતાફહુસેન દુકાનની બહાર ઉભા હતા. આ દરમ્યાન ઉઝેર મેમણ ફરી બહાર આવી ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી સાથે હુમલો કર્યો હતો.
મામલો ઉગ્ર બનતા જાહિદ મેમણ અને રેહાન નામના અન્ય શખ્સો પણ બહાર આવી ગયા હતા અને ત્રણેયે મળીને વિદ્યાર્થીને માર માર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ વચ્ચે પડીને વધુ મારામારી અટકાવી હતી.
હુમલામાં વિદ્યાર્થીને માથા, પીઠ અને જમણા હાથની આંગળીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે આંગળીમાં ફ્રેક્ચર હોવાનું નિદાન કર્યું હતું.
પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે,
“હું માત્ર વાતચીત કરવા ઉભો હતો, લડવા માટે નહીં. છતાં તેઓએ મારી વાત સાંભળી નહીં અને માર મારીને નીચે પાડી દીધો. મારી કોઈ સાથે દુશ્મની નહોતી.”
આ બનાવ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.