Sankheda

એક મહિનામાં જ તૂટવા લાગ્યો નવો રસ્તો: સંખેડામાં RCC રોડ પર તિરાડો

તડવી સમાજની વાડી પાસે તકલાદી કામની ચર્ચા, સાઈડથી કપચી ઉખડી
લોકમાં આક્રોશ: “હજુ ઓપનિંગ પહેલાં જ આવી હાલત કેમ?”

સંખેડા:
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં તડવી સમાજની વાડી પાસે તાજેતરમાં બનાવવામાં આવેલો નાડા પરનો RCC રોડ માત્ર એક મહિનામાં જ તિરાડો પડતા પ્રશ્નો ઉભા થયા છે. રસ્તાની હાલત જોઈને સ્થાનિકોમાં તકલાદી કામ થયાની ચર્ચાઓ તેજ બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, હજુ તો નાડાનું સત્તાવાર ઓપનિંગ પણ થયું નથી, તે પહેલાં જ રસ્તા ઉપર જગ્યાજગ્યાએ તિરાડો દેખાઈ રહી છે. સાથે જ સાઈડમાંથી કપચી ઉખડવાની ઘટનાઓ પણ સામે આવી છે, જ્યારે કેટલાક ભાગોમાં રસ્તો ઉબડખાબડ બની ગયો છે.

આ પરિસ્થિતિને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે કે શું રસ્તાનું પૂરાણ અને કામ યોગ્ય રીતે થયું હતું કે નહીં? એક મહિનામાં જ આવી સ્થિતિ સર્જાતાં કામની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઈજારદારો ઉપર તંત્રની “રહેમ નજર” હોવાના કારણે આવી બેદરકારી સામે કોઈ કાર્યવાહી થતી નથી. અગાઉ પણ સંખેડા તાલુકામાં બનેલા રસ્તાઓ અને બાંધકામોમાં તિરાડો પડવાની ફરિયાદો સામે આવી ચૂકી છે.

સ્થાનિક લોકોએ માંગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેથી વાસ્તવિકતા સામે આવી શકે અને જવાબદાર સામે કાર્યવાહી થાય.
રિપોર્ટર– સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા

Most Popular

To Top