ટુ-વ્હીલર ચાલકો સૌથી વધુ ભોગ બની રહ્યા, અકસ્માતોની શ્રેણી
PWDને તાત્કાલિક સમારકામ કરવા લોકમાગ ઉઠી
સંખેડા:
સંખેડા તાલુકાના ગુંડીચા થી રામપુરા જવાના માર્ગ પર છેલ્લા 15 દિવસથી પડેલા મોટા ભૂવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજેરોજ અનેક વાહનચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો આ ખાડામાં પટકાતા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ભૂવો લાંબા સમયથી યથાવત રહ્યો છે, છતાં માર્ગ અને મકાન વિભાગ (PWD) દ્વારા તેની મરામત માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે અવરજવર કરનારા લોકોમાં રોષ ફેલાયો છે.
વાહનચાલકોનું કહેવું છે કે, “આ ખાડો અકસ્માતોને આમંત્રણ આપી રહ્યો છે, છતાં અધિકારીઓનું ધ્યાન આ તરફ નથી. જો સમયસર સમારકામ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.”
સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવવામાં આવી છે, જેથી વધુ અકસ્માતોને અટકાવી શકાય અને માર્ગ સુરક્ષિત બને.
રિપોર્ટર– સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા