નાણાકીય વર્ષની અંતિમ દિવસે બિલ-ચેક ક્લિયરિંગમાં સહેલાઈ માટે નિર્ણય
ગ્રાન્ટ લેપ્સ ન થાય તે માટે તિજોરી અને પેટા તિજોરી કચેરીઓ પણ મોડીરાત સુધી ખુલ્લી
વડોદરા, તા.17: નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસે સરકારી બિલો અને ચેકોના વ્યવહારો સરળતાથી પૂર્ણ થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા.31 માર્ચ 2026ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની માંડવી શાખા સહિત વડોદરા જિલ્લાની તમામ SBI શાખાઓ તેમજ સરકારી બીલો-ચેકોની લેવડદેવડ કરતી અન્ય બેંકોને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા તિજોરી કચેરી વડોદરા તથા તમામ પેટા તિજોરી કચેરીઓને પણ તા.31 માર્ચે મધરાત સુધી કામગીરી ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત તિજોરી નિયમ-2000ના નિયમ-305 હેઠળ લેવામાં આવ્યો છે, જેથી અંતિમ દિવસે મંજુર થયેલી ગ્રાન્ટ સમયસર ખર્ચાઈ શકે અને લેપ્સ થવાનો પ્રશ્ન ઉભો ન થાય.
તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ આદેશનો કડક અમલ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી સરકારી નાણાકીય વ્યવહારોમાં કોઈ વિલંબ કે મુશ્કેલી ન સર્જાય.