3 મહિનામાં 4 મગરોના ભેદી મોતથી ફફડાટ; શું વિશ્વામિત્રીનું પાણી ઝેરી બન્યું? વન વિભાગે તપાસનો ધમધમાટ તેજ કર્યો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની ઓળખ સમાન વિશ્વામિત્રી નદીમાં મગરોના મોતના બનાવોએ વન વિભાગ અને શહેરના પર્યાવરણપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફેરવી દીધું છે. ગઈકાલે સાંજે શહેરના નરહરી હોસ્પિટલ પાછળના નદીના પટમાં વધુ એક 14 ફૂટ લાંબો મહાકાય મગર મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. નોંધનીય છે કે, છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ શહેરમાં 3 થી 4 મગરોના મોત થયાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નરહરી હોસ્પિટલ પાછળ આવેલા નદીના ઘાટ પાસે એક વિશાળ મગર સ્થિર હાલતમાં હોવાનું સ્થાનિકોના નજરે પડ્યું હતું. લાંબા સમય સુધી હલનચલન ન થતા મગર મૃત હોવાની આશંકાએ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વડોદરા ફોરેસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ 14 ફૂટ લાંબા આ મગરના મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો.
આ મામલે વન વિભાગના અધિકારી કરણસિંહ રાજપુત એ જણાવ્યું હતું કે, “મગરનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે હજુ સ્પષ્ટ નથી. મગરના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે.” વન વિભાગ હાલમાં મગર કુદરતી રીતે મૃત્યુ પામ્યો છે કે પછી નદીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે તેનું મોત થયું છે, તે દિશામાં તપાસ ચલાવી રહ્યું છે.
”વિશ્વામિત્રી નદીમાં મગરોના વારંવાર થતા મોત એ ગંભીર બાબત છે. નદીની ઇકોસિસ્ટમમાં કંઈક મોટું પરિવર્તન આવી રહ્યું હોય તેમ જણાય છે. તંત્રએ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ.” – સ્થાનિક
શું વિશ્વામિત્ર નું પાણી ઝેરી બની રહ્યું છે
શહેરમાં ટૂંકા ગાળામાં મૃત્યુને પગલે અનેક પ્રશ્નો ઊભા થયા છે:
*નદીના પાણીમાં કેમિકલયુક્ત ગટરના પાણીના ભેળસેળથી જળચર સૃષ્ટિ સામે ખતરો?
*શું મગરોમાં કોઈ અજાણ્યો રોગચાળો ફેલાયો છે?
*ઘાટ વિસ્તારોમાં લોકો દ્વારા નાખવામાં આવતા કચરાની મગરો પર અસર?