ગાંધીનગર : આદિવાસી વિસ્તારોમાં વન વિભાગના નિયમોમાં માનવતાપૂર્ણ ફેરફાર કરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી. જંગલની જમીન ખેડતા આદિવાસીઓ પ્રત્યે વન વિભાગ ઘણી વખત ઓરમાયું વર્તન રાખે છે, જ્યારે આદિવાસીઓ અનાદિકાળથી જંગલની જમીનની જાળવણી કરતા આવ્યા છે. વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર થયેલી ચર્ચા દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું.
ડો. તુષાર ચૌધરીએ વધુમાં કહ્યું હતુ કે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના બારા ગામના માંડફળિયામાં લગભગ ૧૦૦ જેટલા કુટુંબો વસે છે અને અંદાજે ૫૦૦થી વધુ લોકો અહીં રહે છે. છતાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ અહીં પહોંચવા માટે પાકો રસ્તો નથી. માંડફળિયામાં આંગણવાડી, શાળા કે વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. રસ્તાના અભાવે તાત્કાલિક સારવાર માટે દર્દીઓને જોળીમાં લઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. વન વિભાગના કડક નિયમોના કારણે લોકો રસ્તા, શિક્ષણ, વીજળી અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહે છે. તેથી નિયમોમાં જરૂરી ફેરફાર કરીને આદિવાસીઓને માનવતાના ધોરણે સુવિધાઓ આપવામાં આવવી જોઈએ.
પોશીના તાલુકામાંથી પસાર થતી તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઇન માટે જમીન સંપાદન સમયે માત્ર રૂ. ૩૧થી ૪૫ પ્રતિ ચોરસ મીટર વળતર ચૂકવાયું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો બજાર કિંમત રૂ. ૧૨૬૦ હોય તો રેલવે પ્રોજેક્ટ માટે પણ એ જ દરે વળતર મળવું જોઈએ. જમીન સંપાદન અને કલેક્ટર કચેરી એક જ હોવા છતાં ભાવ નક્કી કરવામાં આવી રહેલી વિસંગતતા દૂર થવી જરૂરી છે.
તેમણે ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામ નજીક આવેલી સિમેન્ટ ફેક્ટરીના પ્રદૂષણ મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડા અને રાસાયણિક વાયુઓના કારણે પાણી અને ખેતી પર અસર થતી હોવા સાથે લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થતું થે, તેથી સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
જંગલમાં વરસાદી ખેતી કરતા આદિવાસીઓ સાથે વન વિભાગ ઘણીવાર કડક અને ઓરમાયું વર્તન રાખે છે, જેના કારણે વિવાદો સર્જાય છે. આદિવાસીઓ સદીઓથી જંગલ સાથે સંકળાયેલા રહી તેની જાળવણી કરતા આવ્યા છે, તેથી તેમની સાથે હકારાત્મક અને માનવતાપૂર્ણ અભિગમ રાખી આદિવાસી વિસ્તારોમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ તેવી માંગ સરકાર સમક્ષ કરી હતી.