કલેક્ટર કચેરી દ્વારા બે સર્વે નંબરની ૧૦ હજાર ચોરસમિટર જમીન આરએન્ડબીને ફાળવવામાં આવી*
વડોદરા:; શહેરમાં કુબેર ભવન, નર્મદા ભવન અને પોલીસ ભવન બાદ હવે ચોથું બહુમાળી બનવા જઇ રહ્યું છે. કલેક્ટર તંત્ર દ્વારા સુભાનપુરાના સર્વે નંબરમાં ગોરવા ખાતે વિવિધ સરકારી કચેરીઓ માટે બહુમાળી ભવન બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે.
હાલમાં શહેરમાં કોઠી વિસ્તારમાં આવેલા કુબેર ભવનમાં રજીસ્ટ્રાર કચેરી, તિજોરી કચેરી, આયોજન કચેરી, મહિલા અને બાળ કલ્યાણ કચેરી સહિતની કચેરીઓ બેસે છે. આ ઉપરાંત નર્મદા ભવનમાં મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહકાર, શ્રમ આયુક્ત, સિંચાઇ સહિતની કચેરીઓ કાર્યરત છે. જ્યારે, પોલીસ ભવનમાં પોલીસ ઉપરાંત અન્ય કચેરીઓ આવેલી છે.
ગંભીર બ્રિજની ઘટના બાદ કરવામાં આવેલા સુરક્ષા અન્વેષણના અહેવાલના આધારે કુબેર ભવન તથા નર્મદા ભવનમાં રિનોવેશનનું કાર્ય ચાલી રહ્યું હોવાથી આ બન્ને બહુમાળી ભવનમાં બેસતી કચેરીઓને કામચલાઉ ધોરણે અન્ય સ્થળોએ ખસેડવામાં આવી છે. પણ, શહેરમાં ત્રીજા બહુમાળી ભવનની જરૂરિયાતને ધ્યાને રાખીને કલેક્ટર તંત્ર દ્વારા ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.
મહેસુલ તંત્ર દ્વારા ગોરવામાં સુભાનપરાના સર્વે નંબર ૧૦૮-અ અને ૧૧૧-અની ૧૦ હજાર ચોરસ મિટર જમીન ફાળવવામાં આવી છે. આ જમીનનો કબ્જો માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની વડોદરા શહેરની કચેરીને આપવામાં આવ્યો છે. હવે, આ વિભાગ દ્વારા અહીં બહુમાળી ભવન નિર્માણ કરવાની નિયત કામગીરી હાથ ધરવામાં આવશે.
૦૦૦