1953માં આવેલી હોલીવુડની લોકપ્રિય કોમેડી ફિલ્મ Gentlemen Prefer Blondesમાં લોરેલી લી નામની એક યુવતીનું પાત્ર છે. અમીર પુરુષોનું મનોરંજન કરીને જીવન જીવતી લીને જ્યારે તેની બહેનપણી તેના ‘બુદ્ધિ વિનાના’ વર્તન માટે ટોકે છે, ત્યારે તે હળવા વ્યંગ સાથે જવાબ આપે છે: “હું ધારું તો હોંશિયાર બનીને વર્તી શકું છું, પણ મોટા ભાગના પુરુષોને એ પસંદ નથી આવતું.”
આ સંવાદ બોલનાર અભિનેત્રી હતી મેરિલીન મનરો. વિડંબના એ છે કે પડદા પર બોલાયેલા આ શબ્દો જાણે તેના પોતાના જીવનનું જ પ્રતિબિંબ હતા. દુનિયાએ મેરિલીનને એક આકર્ષક, ચંચળ અને ‘ડમ્બ બ્લોન્ડ’(ગૂંગી ગોરી) તરીકે યાદ રાખી, પરંતુ તેના એ ગ્લેમરસ ચહેરા પાછળ એક એવી સ્ત્રી હતી જે બુદ્ધિશાળી, મહત્ત્વાકાંક્ષી, સંવેદનશીલ અને પોતાના સમય કરતાં ઘણી આગળ હતી. કદાચ મનરોની સૌથી મોટી ટ્રેજેડી એ હતી કે લોકો તેના સૌંદર્યથી એટલા મોહિત થઈ ગયા કે તેના વ્યક્તિત્વની ઊંડાઈને જોઈ જ ન શક્યા.
આજે જીવતી હોત તો 100 વર્ષની હોત. 1લી જૂને દુનિયાએ મનરોની જન્મશતાબ્દી મનાવી. માત્ર 36 વર્ષની ઉંમરે, સ્લીપિંગ પિલ્સના ઓવરડોઝથી, 1962માં તે દુનિયા છોડી ગઈ. એ જીવન અને એ મૃત્યુ પાછળ અનેક કહાનીઓ છે. 100 વર્ષ પછી પણ તેની એ મુસ્કાન, તેની એ ચાલ અને તેની તસવીરો દુનિયાને આકર્ષિત કરતી રહી છે. અજીબ વાત એ છે કે જે સ્ત્રીને આખી દુનિયા જાણે છે, તેને વાસ્તવમાં બહુ ઓછા લોકો સમજે છે.
મનરોનું નામ આવે એટલે આપણી આંખો સામે સોનેરી વાળ વાળી, ચંચળ, આકર્ષક અને ઘણા અંશે ભોળી અભિનેત્રીની છબી ઉભરે છે. હોલીવુડે તેને આ જ રૂપમાં દુનિયા સામે પ્રસ્તુત કરી હતી. પણ એ ચમકદાર ચહેરા પાછળ એક એવી છોકરી હતી જેણે તેના જીવનમાં અસ્વીકૃતિ, અસલામતી, ભય, એકલતા અને ઓળખ માટેના સંઘર્ષની લાંબી યાત્રા કરી હતી.
એ છોકરીનું નામ હતું નોર્મા જીન બેકર.

નોર્મા જીનનું બાળપણ કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નહોતું. તેની માતા એક ગરીબ ઘરની સંતાન હતી. તેનો પિતા અત્યાચારી હતો અને બે નાનાં બાળકોએ મૂકીને ભાગી ગયો હતો. નોર્માને છેક 12ની વયે તેની બીજી બહેનની ખબર પડી હતી. નોર્માનું બાળપણ અનાથાલયો અને પાલક પરિવારોમાં પસાર થયું હતું. બાળપણની આ અસલામતીએ તેની માનસિકતાનો પાયો નાખ્યો. પણ એ કમજોર પાયો હતો. નોર્માને વારંવાર એ અનુભવ થયો હતો કે જે લોકો પર ભરોસો મૂકી શકાય છે, તે પણ ક્યારેક છૂટી જાય છે. એમાંથી તેનાં બે સમાંતર વ્યક્તિત્વ ઘડાયાં; એક વ્યકતિત્વ દુનિયાને બતાવવા માટે હતું, બીજું પોતાની અંદરના ઘા છુપાવવા માટે. મેરિલીન મનરોનું આખું જીવન આ દ્વંદ્વનું ઉદાહરણ હતું.
તે આઠ વર્ષની હતી ત્યારે તેના એક પાડોશીએ તેનું જાતીય શોષણ કર્યું હતું. આમે તે શરમાળ હતી અને આ ઘટના પછી એટલીચ ચુપ થઇ ગઈ કે બોલતી વખતે થોથવાતી હતી. એમાંથી જ તેને એક્ટ્રેસ બનવાનું સુજ્યું હતું. તે દિવસોને યાદ કરીને તેણે કહ્યું હતું;
‘મને મારી આસપાસની દુનિયા ગમતી નહોતી. એ ઘણી નિરાશાજનક અને કઠોર હતી. જ્યારે મને ખબર પડી કે તેને અભિનય કહે છે, ત્યારે મેં કહ્યું- મારે એ જ બનવું છે. મારા કેટલાક પાલક પરિવારો મને ઘરની બહાર રાખવા માટે સિનેમામાં મોકલી દેતા. હું ત્યાં આખો દિવસ અને ઘણીવાર મોડી રાત સુધી એકલી બેઠી રહેતી. પડદા સામેની પહેલી હરોળમાં, એકલી નાનકડી છોકરી તરીકે. અને મને એ બહુ ગમતું.”
પ્રેમ, સ્થિરતા અને સલામતીની તલાશમાં તેણે 16 વર્ષે એક ફેક્ટરી કામદાર સાથે લગ્ન કરી લીધાં હતાં. પણ એ લાંબુ ચાલવાનું નહોતું. ‘હું બોર થઇ ગઈ હતી,’એવું તેણે પાછળથી કહ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં તે એક ફેક્ટરીમાં કામ કરતી હતી, ત્યારે એક આર્મી ફોટોગ્રાફરની નજર તેની પર પડી. થોડાક જ વર્ષોમાં નોર્મા એક લોકપ્રિય મોડેલ બની ગઈ. ત્યાંથી હોલીવુડનો રસ્તો આસાન હતો, અને તે મેરિલીન મનરો બનીને પડદા પર અવતરી.
પણ નામ બદલવાથી વ્યક્તિનું મન નથી બદલાતું.
હોલીવુડે મનરોને એક સેક્સ સિમ્બલ, એક સુંદર પ્રોડક્ટ તરીકે લોકો સામે ધરી. ત્યાંની સ્ટુડિયો સિસ્ટમને એક એવો કિરદાર જોઈતો હતો જે દેખાવે આકર્ષક હોય, અને મગજથી બુદ્ધિહીન. એ વખતના અમેરિકન સમાજને પણ એવી સ્ત્રીઓ પસંદ હતી જે સુંદર હોય, કામુક હોય, પણ મગજ ચલાવતી ન હોય. મેરિલીન આ વિરોધાભાસને સમજતી હતી.
તે Gentlemen Prefer Blondesના કિરદારની જેમ કેવળ હોંશિયાર (સ્માર્ટ) જ નહોતી; તે બુદ્ધિશાળી (ઇન્ટેલિજન્ટ) પણ હતી. તે ગંભીર સાહિત્યની ચાહક હતી. તેની નિજી લાઈબ્રેરીમાં સેંકડો પુસ્તકો હતાં. તેને રાજનીતિ, સમાજ અને મનોવિજ્ઞાનમાં ઊંડી રુચિ હતી. તે લગાતાર અભિનય શીખવાનો પ્રયાસ કરતી રહી હતી. તે તેના સમયની સામાજિક અસમાનતાઓને સમજતી હતી. પણ હોલીવુડને તેની બુદ્ધિમત્તામાં નહીં, તેની ઈમેજમાં રસ હતો અને મનરો પણ એ ‘ખેલ’ રમતી રહી.
અહીંથી જ તેનો આંતરિક સંઘર્ષ અધિક તીવ્ર બની ગયો હતો; એક તરફ આખી દુનિયા તેને જાણતી હતી, અને બીજી તરફ તેને કોઈ વાસ્તવમાં સમજતું નહોતું. એકવાર તેણે કહ્યું હતું, ‘મેં ક્યારેય કોઈને મૂરખ નથી બનાવ્યા; મેં લોકોને તેમની જાતે મૂરખ બનવા દીધા છે. હું સારી છું, પણ સંત નથી, મેં પાપ કર્યાં છે, પણ શેતાન નથી. હું એક નાનકડી છોકરી છું જે વિશાળ દુનિયામાં પ્રેમ શોધી રહી છું.’ 1955માં તેણે વિદ્રોહ કર્યો. સ્ટુડિયો તેને ગંભીર ભૂમિકાઓ આપવા ઇનકાર કરતો હતો, તો તેણે પોતાની જ પ્રોડક્શન કંપની સ્થાપી દીધી. આ પહેલાં કોઈ અભિનેત્રીએ આવું કર્યું નહોતું. તે પગલું કેવળ વ્યવસાય માટે જ નહોતું, પોતાની ઓળખ માટે પણ હતું. મનરો દુનિયાને બતાવવા માંગતી હતી કે તે કેવળ સુંદર ચહેરો જ નથી. મનરોનું જીવન વાસ્તવમાં એક એવી વ્યક્તિની કહાની છે, જેણે વારંવાર સ્વયંને પુન: પરિભાષિત કરવાની કોશિશ કરી હતી. એક અનાથ છોકરીમાંથી એક મોડેલ, એક મોડેલમાંથી સુપરસ્ટાર અને એક સુપરસ્ટારમાંથી એક ગંભીર કલાકાર બનવાની આ કહાનીમાં દરેક પડાવ પર તેને સંઘર્ષ કરવો પડ્યો હતો. આજે, તેની જન્મશતાબ્દી પર, મેરિલીન મનરોને એક પોસ્ટર-ગર્લ, એક પ્રતિક કે એક કલ્પનાથી આગળ જઈને એક મનુષ્યના રૂપમાં જોવાની જરૂર છે. તેની તસવીરો આજે પણ એટલી જ ચમકે છે, પણ તેની વિરાસત તેની સુંદરતા નથી. તેની વિરાસત એ છે કે તેણે લોકોને શીખવ્યું કે કોઈ વ્યક્તિની સાર્વજનિક છબી તેના પુરા વ્યક્તિત્વની કહાની નથી.