રમઝાનના પાક મહિનામાં આવતી શબ-એ-કદ્ર અથવા લૈલતુલ કદ્ર મુસ્લિમ સમુદાય માટે સૌથી બરકતભરી અને પવિત્ર રાતોમાંથી એક માનવામાં આવે છે. ઇસ્લામમાં શબ-એ-કદ્ર અથવા લૈલતુલ કદ્રની રાતોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ત્રીજા અશરામાં આવે છે. એટલે કે છેલ્લા દસ રોજામાં. રમઝાનના છેલ્લાં 10 દિવસોમાં એવી પાંચ રાતો હોય છે, જેને શબ-એ-કદ્ર કહેવામાં આવે છે. આ રાતો 21મી, 23મી, 25મી, 27મી અને 29મી રાત હોય છે. એવી માન્યતા છે કે આ રાતોમાં હઝરત મુહમ્મદ સાહેબે ઇબાદત માટે ખાસ ગણી છે. પરંતુ આ 5 રાતોમાં 27મી રમઝાનની રાતને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઇસ્લામિક માન્યતાઓ અનુસાર આ રાત્રે કરવામાં આવતી ઇબાદત હજારો મહિનાની ઇબાદત કરતાં પણ વધુ મોટી ગણાય છે. તેથી દુનિયાભરના મુસ્લિમો આ રાત્રે ખાસ દુઆ, નમાઝ, કુરાન પઢે છે અને વધારેમાં વધારે નમાઝની અદાયગી કરી ઈબાદતમાં સમય વિતાવે છે. આ વરસે રમઝાન મહિનાની શરૂઆત 19 ફેબ્રુઆરીએ થઈ હતી અને તેના આધારે 27મી રાત 16 માર્ચ એટલે કે આજે છે. જોકે ઇસ્લામમાં આ છેલ્લા અસરામાં આવતી 21મી, 23મી, 25મી, 27મી અને 29મી રાતોને પણ લૈલતુલ કદ્ર ગણવામાં આવે છે, કેમ કે અલ્લાહે આ બઘી રાતોમાંથી કઈ રાત રહેમતની છે એ અંગે અલ્લાબ સિવાય કોઈને પણ જાણ નથી. આ બધા દિવસોમાંથી તેઓ તેમની રહેમત કોઈ પણ દિવસે ઉતારશે એવું જાણકારો કહે છે, એટલે આ બધી રાતોમાં પણ આજના દિવસની જેમ જ ઇબાદત કરવી એમ કહેવામાં આવે છે. કારણ કે આપણે અલ્લાહના ફેંસલાથી અજાણ છીએ.
ઇસ્લામિક માન્યતા અનુસાર આ જ પવિત્ર રાત્રે કુરાનની આયતો સૌપ્રથમ ફરિશ્તા જિબ્રાઇલ દ્વારા પયગંબર હઝરત મુહમ્મદ પર અવતરિત થઈ હતી. કુરાનની સુરા અલ-કદર (97:1-5)માં પણ આ રાતના મહિમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે “શબ-એ-કદ્રની રાત હજાર મહિનાથી વધુ શ્રેષ્ઠ છે અને આ રાત્રે ફરિશ્તાઓ અલ્લાહની આજ્ઞાથી ધરતી પર ઉતરે છે.” આ પવિત્ર રાત્રે મુસ્લિમો ખાસ કરીને નફિલ નમાઝ, તહજ્જુદ, કુરાનની તિલાવત, ઝિક્ર અને તૌબા-ઇસ્તિગફાર કરે છે. લોકો અલ્લાહ પાસે પોતાના ગુનાહોની માફી માંગે છે અને જીવન માટે આશીર્વાદ તથા માર્ગદર્શનની પ્રાર્થના કરે છે. મસ્જિદોમાં ખાસ નમાઝ અને કુરાન વાંચનનું આયોજન થાય છે, જ્યારે ઘણા લોકો ઘરે રહીને પણ આખી રાત ઇબાદતમાં વિતાવે છે. ઇસ્લામિક પરંપરા મુજબ, જે વ્યક્તિ આ રાત્રે સાચી શ્રદ્ધાથી ઇબાદત કરે છે તેના પાછલા બધા ગુનાહો અલ્લાહ માફ કરે છે. આ રાતને બધી રાતોમાં અફઝલ અને બરકતભરી માનવામાં આવે છે.