ટી-20 વિશ્વકપની ફાઈનલ અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ, જેમાં ભારતનો ભવ્ય વિજય થયો. સ્ટેડિયમના ઘણા વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા. જાગૃત નાગરિકો વીડિયો બનાવી જ લેતા હોય છે, જેમા સ્ટેડિયમમાં પાણીની એક બોટલ 200 થી 150 રૂપિયામાં વેચાઈ રહી છે. બીજા એક વીડિયોમા કાઉન્ટર પર એક પાણીના ગ્લાસના 20 રૂપિયા છે અને બોટલના 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં હોટલો અને વિમાનના ભાડામાં પણ વધારો થયો અને પ્રજાએ મન મૂકીને ખિસ્સાં ખાલી કર્યાં.
કોઈ મેચ હોય ત્યારે જ આવું નથી થતું. તહેવારો ટાણે પણ આ પરિસ્થિતિ જોવા મળે છે. ખાનગી બસ ચાલકો પણ તહેવારના ટાણે ભાડું વધારી દેતા હોય છે. વિમાની સંસ્થાઓ પણ ભાડામાં વધારો કરી દે છે. કોઈ બોલતું નથી. તેનો પણ સીધો લાભ ઉઠાવાય છે તે પણ એક સત્ય છે. તહેવારોમા મંદિરોમાં બહાર વેચાતું નાળિયેર પણ 60થી 70મા વેચાવા માંડે છે. આમેય આપણને અંગ્રેજો લૂંટી ગયા. હવે ઘરના જ લૂંટે છે. મોંઘવારી અને અછતનું બહાનું આગળ કરીને જનતાને ખિસ્સાં ખાલી કરવામાં આવે છે. આ મામલે હવે સરકારે એક ચોક્કસ ભાવને લઈને જાહેરનામું બહાર પાડવું જોઈએ. એ પછી હોટલ હોય કે એરલાઈન કંપની કે પછી સ્ટેડિયમમાં વેચાતી પાણીની બોટલ.
પંચમહાલ – વિજયસિંહ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.