સુરતના ઝાંપાબજાર વિસ્તારમાં રમઝાન માસ દરમિયાન પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી. કુંભારવાડા વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે નમાઝ અદા કરવા માટે રાત્રે રિક્ષા લઈને આવેલા એક યુવક અને મસ્જિદ સામે રહેતા પરિવાર વચ્ચે પાર્કિંગને લઈને વાદવિવાદ થયો હતો. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ વાત ઉગ્ર બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બે જૂથ સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા મહીધરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લોકોને શાંતિ રાખવા ચેતવણી આપી હતી, પરંતુ ભીડ હટવા તૈયાર ન હોવાથી અને પોલીસને આગળ વધવામાં મુશ્કેલી થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી દીધું અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચા પણ થઈ હતી.
આ દરમિયાન દોડાદોડી અને ધીંગાણામાં આસપાસના માટલા વેપારીઓના માટલાં તથા અન્ય સામગ્રી તૂટી જતાં તેમને નુકસાન થયું હતું. તૂટેલા માટલાંથી કેટલાક લોકોને હલકી ઇજાઓ પણ થઈ હતી. રમઝાન માસ દરમિયાન બનેલી આ ઘટનાને લઈ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની અફવાઓ પણ ફેલાઈ હતી, જેના કારણે પોલીસે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ પાર્કિંગ મુદ્દે મસ્જિદ સામે રહેતા એક શખ્સના પુત્રોએ રિક્ષાચાલક યુવકને માર માર્યો હોવાની ફરિયાદ સાથે કેટલાક લોકો મહીધરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ આ યુવકને લઈને માર મારનાર શખ્સના ઘરે પહોંચી હતી, જ્યાં એક યુવકને ડિટેઇન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્યાં ભેગા થયેલા કેટલાક લોકોએ પોલીસની હાજરીમાં પરિવાર સાથે મારામારી કરવાનો પ્રયાસ કરતાં પોલીસને ફરી હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
પોલીસની કાર્યવાહી બાદ ટોળું વિખેરાઈ ગયું હતું અને પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંત બની ગઈ હતી. ત્યારબાદ બંને પક્ષોને મહીધરપુરા પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. બંને પક્ષના આગેવાનોની મધ્યસ્થીથી ચર્ચા કરી મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવ્યો હતો. મારામારી અંગે બંને પક્ષોએ ખેદ વ્યક્ત કરીને સમાધાનકારી વલણ અપનાવ્યું હતું અને કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાની લેખિત નોંધ આપી હતી. પરિણામે કોઈ ગુનો નોંધાયો નથી. સમાધાન બાદ બંને પક્ષો પોલીસ મથકમાંથી પરત ફરી ગયા હતા અને ત્યાં ભેગું થયેલું ટોળું પણ વિખેરાઈ ગયું હતું. પોલીસે વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે બંને પક્ષોને સમજાવટ આપી કાયમી ઉકેલ શોધવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.