Vadodara

કચરો લેવા આવતી ગાડી ‘કાળ’ બનીને ત્રાટકી: તાંદલજામાં બે ટુ-વ્હીલરને અડફેટે લીધા

​વોર્ડ નં. 10 ની ડોર-ટુ-ડોર ગાડીના ચાલકે 100ની સ્પીડે વાહન હંકારી સર્જ્યો અકસ્માત; એક યુવક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

વડોદરા: શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડીઓના ચાલકોની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ જમજમ પાર્ક પાસે વોર્ડ નંબર 10ની કચરા કલેક્શનની ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી બે ટુ-વ્હીલર સવારોને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની આ ગાડી અંદાજે 100 કિમીની ઝડપે દોડી રહી હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બે ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ટુ-વ્હીલર સવારો રસ્તા પર ફંગોળાયા હતા. આ પૈકી એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે અન્ય એક વ્યક્તિને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કચરા ગાડીના ચાલકની અટકાયત કરી તેની ચાવી લઈ લીધી હતી. પૂછપરછ દરમિયાન ચાલક પોતાનું નામ અખિલેશ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે કે નહીં તે અંગે શંકા સેવાઈ રહી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ ગાડીઓના ચાલકો ઘણીવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને રહેણાંક વિસ્તારોમાં પણ બેફામ ગતિએ વાહન ચલાવે છે.

Most Popular

To Top