Trending

શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો

રૂપિયો ડોલર સામે નવા તળિયે , રોકાણકારોમાં હાહાકાર: ક્રૂડ ઓઇલ $100 પાર, વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી બજારમાં મોટો ધડાકો

ભારતીય શેરબજારમાં શુક્રવારે ફરી એકવાર ભારે દબાણ જોવા મળ્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે જ બજાર ધડાકાભેર તૂટ્યું અને રોકાણકારોમાં ચિંતા વધી ગઈ. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા અને દિવસ દરમિયાન પણ દબાણ યથાવત રહ્યું.

સવારના બજાર ખુલતા જ નિફ્ટી 178 પોઇન્ટ ઘટીને 23,462 પર ખુલ્યો હતો, જ્યારે સેન્સેક્સ 500 પોઇન્ટ ઘટીને 75,488 પર પહોંચ્યો હતો. બપોરે લગભગ 12 વાગ્યે બજારમાં ઘટાડો વધુ ઊંડો બન્યો હતો. ત્યારે નિફ્ટી 258 પોઇન્ટ તૂટીને 23,380.40 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો અને સેન્સેક્સ લગભગ 800 પોઇન્ટ ઘટીને 75,233.66 સુધી સરકી ગયો હતો.
ક્રૂડ ઓઇલના ભાવ વધતા બજારમાં દબાણ

શેરબજારમાં આ ભારે ગિરાવટ પાછળનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી ઉછાળો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી $100 પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયા છે. મધ્યપૂર્વમાં વધતા જીઓપોલિટિકલ તણાવ , હોર્મુઝની જળસંધિ નજીક સપ્લાય અંગેની ચિંતાઓના કારણે ઓઇલ મોંઘું બન્યું છે.

ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ આયાત કરતું દેશ હોવાથી તેનાથી આયાત ખર્ચ વધી જાય છે અને મોંઘવારી પર દબાણ આવે છે. એવિએશન, લોજિસ્ટિક્સ, પેઇન્ટ્સ અને કેમિકલ્સ જેવા સેક્ટર પર તેની સીધી અસર પડે છે.

વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી : બજારમાં ઘટાડાનો બીજો મોટો કારણ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)ની સતત વેચવાલી છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં વધુ વ્યાજદર મળતા હોવાના કારણે વિદેશી મૂડી ઉભરતા બજારોમાંથી બહાર જઈ રહી છે.

આ વેચવાલી ખાસ કરીને લાર્જ-કૅપ શેરોમાં દબાણ ઉભું કરે છે. જોકે ડૉમેસ્ટિક સંસ્થાગત રોકાણકારો (DII) તરફથી થોડી ખરીદી થતા બજારમાં થોડું સંતુલન જોવા મળે છે.

મજબૂત રેલી પછી પ્રોફિટ બુકિંગ : તાજેતરના મહિનાઓમાં શેરબજારમાં થયેલી તેજી પછી હવે ઘણા રોકાણકારો નફો બુક કરી રહ્યા છે. ઊંચા લેવલ પર શેર વેચીને લાભ લેવા માટે થતી આ પ્રોફિટ બુકિંગના કારણે ટૂંકા ગાળાનો ઘટાડો જોવા મળે છે

રૂપિયો પણ કમજોર : શેરબજાર સાથે ભારતીય રૂપિયો પણ દબાણમાં આવ્યો છે અને ડોલર સામે નવા નીચા સ્તર પર પહોંચી ગયો છે. મોંઘું ક્રૂડ ઓઇલ અને વિદેશી મૂડી બહાર જવાથી રૂપિયામાં નબળાઈ વધી છે.

બજાર નિષ્ણાતોનું કહેવું છે કે હાલની ગિરાવટ મુખ્યત્વે વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે છે. જો ક્રૂડ ઓઇલના ભાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહેશે તો બજારમાં હજુ થોડો સમય અસ્થિરતા રહેવાની શક્યતા છે.

Most Popular

To Top