World

દુબઈ એરપોર્ટ નજીક ડ્રોન પડ્યા: એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ, સુરક્ષા હાઈ એલર્ટ પર

ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન દુબઈમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દુબઈ મીડિયા ઓફિસે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે થોડા સમય પહેલા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન પડી ગયા હતા. આ ઘટનામાં કુલ ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘાનાના બે નાગરિકો, એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. તમામને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે. હાલ સુધી સ્પષ્ટ થયું નથી કે આ ડ્રોન સીધા ઈરાન તરફથી આવ્યા હતા કે હવાઈ સંરક્ષણ દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ નીચે પડ્યા હતા. પરંતુ પ્રદેશમાં ચાલી રહેલા તણાવને કારણે ઈરાની ડ્રોન અને મિસાઇલ હુમલાની આશંકા વધતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. યુએઈની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ છેલ્લા કેટલાક કલાકોમાં અનેક ડ્રોન અને મિસાઇલને નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.

દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ગણાતું દુબઈ એરપોર્ટ હાલમાં સામાન્ય રીતે કાર્યરત છે અને ફ્લાઇટ ઓપરેશનમાં કોઈ મોટો વિક્ષેપ આવ્યો નથી. મિડલ ઇસ્ટમાં વધતા સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકા અને ઈઝરાયલના હુમલાનો જવાબ આપવા માટે સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, કતાર સહિતના ખાડી દેશોને નિશાન બનાવી મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા હોવાનો આરોપ છે. આ હુમલાઓના કારણે કેટલાક વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે તેમજ તેલ ઉત્પાદન પર પણ અસર પડી છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે લગભગ બે અઠવાડિયાથી વધુ સમયથી ચાલુ છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. આ સંઘર્ષનો અસરકારક પ્રભાવ ખાડી દેશો પર પણ જોવા મળી રહ્યો છે. દુબઈમાં અગાઉ પણ એરપોર્ટ નજીક તથા રહેણાંક વિસ્તારોમાં આવા હુમલાઓ થવાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.

Most Popular

To Top