સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક ઝોનમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને અચાનક ઉભી થતી આપત્તિઓનો સામનો કરવાની ક્ષમતા પરખવા માટે અદાણી હજીરા પોર્ટ ખાતે વિશાળ સ્તરે ડ્રોન હુમલાની મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ કવાયત દ્વારા સંભવિત ટેકનિકલ અને સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખી વિવિધ એજન્સીઓની તાત્કાલિક કામગીરી અને સંકલનને ચકાસવામાં આવ્યું હતુ
મોકડ્રિલના ભાગરૂપે અજાણ્યા અને શંકાસ્પદ ડ્રોન દ્વારા પોર્ટના લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલને નિશાન બનાવી હવાઈ હુમલો થયો હોવાની પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ સર્જાતા જ પોર્ટ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી કાર્ગો હેન્ડલિંગ, શિપ મૂવમેન્ટ તેમજ ક્રેન ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. પોર્ટ સુરક્ષા દળો, CISF અને મરીન પોલીસને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા હતા. સાથે જ પોર્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કવાયત દરમિયાન કેમિકલ કાર્ગો જહાજ અને તેની સાથે જોડાયેલા ટેન્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થયો હોય તેવી સ્થિતિ સર્જી ‘હેવી એરોમેટિક કેમિકલ’ સંબંધિત જોખમને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મ્યુચ્યુઅલ એઇડ ટીમોને જવાબદારી સોંપાઈ હતી જેથી જિલ્લા સ્તરે વિવિધ વિભાગો વચ્ચેનો સંકલન અને આપત્તિ સમયે પ્રતિસાદ આપવાની ક્ષમતા તપાસી શકાય.
આ સમગ્ર મોકડ્રિલ અદાણી હજીરા પોર્ટ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર પંકજ ઉકેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાઈ હતી. જેમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ ગ્રુપ, લોકલ ક્રાઈસિસ ગ્રુપ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, સુરત પોલીસ કમિશનર કચેરી, ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય નિયામક, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત અનેક સરકારી વિભાગો જોડાયા હતા.
આ ઉપરાંત હજીરા વિસ્તારમાં કાર્યરત મોટી ઉદ્યોગ સંસ્થાઓ જેમ કે શેલ, AM/NS, ક્રિભકો, NTPC, રિલાયન્સ, ONGC, GAIL અને હજીરા નોટિફાઇડ ઓથોરિટીના પ્રતિનિધિઓ પણ કવાયતમાં સામેલ રહ્યા હતા. આ અભ્યાસ દ્વારા સરકાર, પોર્ટ મેનેજમેન્ટ અને ઉદ્યોગો વચ્ચે સંકલિત કામગીરીથી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવાની સજ્જતા વધુ મજબૂત બને તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.