Kapadvanj

તૂટેલા કૉઝવે પર રામભરોસે વાહનવ્યવહાર, જીવલેણ અકસ્માતનો ભય

અમિયાપુર–રાજપુર–શિહોરા રોડ પર વાત્રક નદીનો કૉઝવે છ માસથી ક્ષતિગ્રસ્ત
ચેતવણી બોર્ડ કે ડાયવર્ઝન વિના વાહનચાલકો માટે જોખમ

કપડવંજ:

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ અમિયાપુર–રાજપુર–શિહોરા માર્ગ પર વાત્રક નદી ઉપર બનાવવામાં આવેલ કૉઝવે તૂટી જતાં વાહનચાલકો માટે જીવલેણ સ્થિતિ ઉભી થઈ છે. આ માર્ગ અરવલ્લી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત વિભાગના હસ્તકનો હોવાનું જાણવા મળે છે.
આ રસ્તો બાયડ અને કપડવંજ તાલુકાના લગભગ 25થી વધુ ગામોને જોડતો મહત્વનો માર્ગ છે. સ્થાનિક લોકોના આર્થિક, સામાજિક અને ધાર્મિક વ્યવહાર માટે આ માર્ગ અત્યંત અગત્યનો છે.

મળતી માહિતી મુજબ ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે વાત્રક નદી ઉપર બનાવાયેલ કૉઝવેનું ધોવાણ થતાં તે તૂટી ગયો હતો. જોકે છેલ્લા લગભગ છ મહિનાથી આ કૉઝવેની મરામત કરવામાં આવી નથી. વધુ ચિંતાજનક બાબત એ છે કે તૂટેલા કૉઝવે પાસે કોઈ પણ પ્રકારના ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા નથી તેમજ વાહન વ્યવહાર માટે કોઈ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું નથી.
પરિણામે દિવસ-રાત વાહનચાલકો રામભરોસે આ તૂટેલા કૉઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીં ગંભીર અકસ્માત સર્જાવાનો ભય સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહ્યો છે.
સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ ગણાશે અને પ્રજાની સલામતી માટે તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં.

રિપોર્ટર: હરીશ જોશી

Most Popular

To Top